Surat News: સુરતમાં શહેરના ઉધના વિસ્તારમાં રહેણાંક બિલ્ડીંગના દસમા માળેથી કૂદીને એક યુવતીએ આત્મહત્યા કરી હતી. કરુણતા એ વાતની છે કે યુવતી જ્યારે આપઘાત કરવા માટે બિલ્ડિંગના ધાબા પર ચડી ત્યારે લોકો તેને કેવી રીતે અટકાવવી તે વિચારવાના બદલે નીચે ઊભા રહીને તેનો વીડિયો ઉતારી રહ્યા હતા. યુવતીના આપઘાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ADVERTISEMENT
અડધો કલાક સુધી યુવતી ધાબા પર બેઠી રહી
સુરતમાં ઉધના હરિનગર રોડ પર આવેલી શુભ રેસિડન્સીમાં શુગ્ના કલાલ નામની યુવતીએ બિલ્ડિંગના ધાબા પરથી નીચે કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ. સ્થાનિકો મુજબ, અડધો કલાક સુધી યુવતી ધાબાની પાળી પર બેસી રહી હતી અને લોકો તેનો વીડિયો ઉતારતા રહ્યા. આ બાદ તે નીચે કૂદી ગઈ. નીચે કૂદતા જ તેનું સ્થળ પર કરુણ મોત નિપજ્યું હતું.
લોકોએ બચાવવાના બદલે વીડિયો ઉતાર્યો
બિલ્ડિંગની નીચે ઊભેલા લોકો તેના કૂદવાની રાહ જોઈને વીડિયો બનાવવાનું શરૂ કરી દે છે. જ્યાં સુધી છોકરી નીચે કૂદી ન પડે ત્યાં સુધી લોકો યુવતીનો વીડિયો બનાવતા રહે છે. જેવી છોકરી બિલ્ડીંગ પરથી નીચે પડે છે, વીડિયો બનાવનાર વ્યક્તિ ડરી ડરી જાય છે. છોકરીને બચાવવા એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે પરંતુ એમ્બ્યુલન્સમાં હાજર ટીમે બાળકીને મૃત જાહેર કરી હતી.
ધારાસભ્ય યુવતીને પરિજનોને મળવા પહોંચ્યા
યુવતીએ દસમા માળેથી કૂદીને આપઘાત કર્યાની ઘટનાથી પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે. યુવતીના આપઘાતના સમાચાર સાંભળતા જ ઉધના વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય મનુ પટેલ પણ યુવતીના ઘરે પહોંચીને ફોન પર કોઈની સાથે વાત કરીને યુવતીના મૃતદેહનું રાત્રે જ પોસ્ટમોર્ટમ કરાવવા વિનંતી કરે છે અને કહે છે કે, છોકરી માનસિક રીતે અસ્થિર છે. ધારાસભ્યની આ વાતચીતનો વીડિયો પણ સામે આવ્યો છે.
સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના હરિનગર 3 પાછળ આવેલી શુભ રેસિડેન્સીના દસમા માળેથી કૂદીને આપઘાત કરનાર યુવતીનું નામ શુગના કલાલ છે. 17 થી 18 વર્ષની શુગના કલાલે આત્મહત્યા કેમ કરી તે પોલીસ તપાસમાં જ બહાર આવશે. પરંતુ અંદર રહેતા લોકો અને નીચે ઉભેલા લોકોએ જો શુગના કલાલને બચાવવાની કોશિશ કરી હોત તો કદાચ તેણે બચાવી શકાઈ હોત પરંતુ તેમ ન થયું.
(સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT