સુરત: સુરત જિલ્લાના અમરોલીમાં વાલીઓ માટે ચતેવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. અહીં મોબાઈલમાં વીડિયો જોતી અને ગેમ રમતી 5 વર્ષની બાળકીનું રમતા રમતા અચાનક મોત થઈ ગયું. બારી પાસે ઊભેલી બાળકી ફોનમાં વ્યસ્ત હતી, આ દરમિયાન જ ત્યાં દોરી પર સૂકવેલા કપડામાં ગમછો તેના ગળાના ભાગે વિંટળાઈ ગયો હતો. બાળકીનો પગ લપસી જતા તેને ફાંસો લાગી ગયો અને પળવારમાં જ તેનું પ્રાણ પંખેરું ઊડી ગયું.
ADVERTISEMENT
બાળકી બારી પાસે ફોનમાં ગેમ રમતી હતી
વિગતો મુજબ, કોસાડ આવાસ ખાતે રહેતા મનોજકુમાર લૂમ્સના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં 5 વર્ષની બાળકી હતી. ગત 21મી જુલાઈએ મનોજભાઈના પત્ની રસોઈ બનાવી રહ્યા હતા અને મનોજભાઈ શાકભાજી લેવા ગયા હતા. દરમિયાન બાળકી ઘરમાં ફોન લઈને બારી પાસે ઊભા રહીને મોબાઈલમાં ગેમ રમી રહી હતી. બારી પર દોરી બાંધીને કપડા સૂકવવા નાખ્યા હતા, જેમાં રહેલો ગમછો બાળકીના ગળા પર વિંટળાઈ ગયો હતો. દરમિયાન બાળકી લપસી જતા તેને ફાંસો લાગી ગયો હતો.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત
માતાના બુમ પાડવા છતા બાળકીએ જવાબ ન આવતા તેમણે બહાર જોયું તો બાળકી ફાંસો ખાધેલી હાલતમાં હતી. એવામાં બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે એક બાદ એક 3 ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા બાદ સોમવારે સવારે બાળકીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. સમગ્ર મામલે પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT