‘મોહબ્બતની દુકાનમાંથી નોટોનો પહાડ નીકળ્યો, ગાંધી પરિવાર દુનિયાનો સૌથી મોટો ભ્રષ્ટ પરિવાર’, પાટીલ

Congress MP Dheeraj Sahu: ઝારખંડમાં કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઘર અને ઠેકાણાઓ પર ઈન્કમટેક્સ વિભાગ દ્વારા 6 ડિસેમ્બરે દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારથી અત્યાર સુધી…

gujarattak
follow google news

Congress MP Dheeraj Sahu: ઝારખંડમાં કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઘર અને ઠેકાણાઓ પર ઈન્કમટેક્સ વિભાગ દ્વારા 6 ડિસેમ્બરે દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારથી અત્યાર સુધી 300 કરોડ રોકડા મળી આવ્યા છે અને હજુ પણ નોટોની ગણતરી ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં ભાજપ દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને ગાંધી પરિવાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસનો ગુજરાતભરમાં ભાજપ દ્વારા વિરોધ

ઝારખંડમાં કોંગ્રેસ સાંસદ પાસેથી કરોડોની રોકડ મળતા અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા સહિતના શહેરોમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયા હતા. જેમાં સુરતમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કોંગ્રેસે 3 વાર રાજ્યસભાના સાંસદ બનાવ્યા હતા. 2 વખત લોકસભા હાર્યા પછી કોંગ્રેસે રાજ્યસભા મોકલ્યા. આ સાંસદના ઘરેથી કરોડો રૂપિયા મળ્યા. કોંગ્રેસ અને ગાંધી પરિવારે આનો હિસાબ આપવો પડશે. કોંગ્રેસ પાર્ટી કૌભાંડ કરી રહી છે. આ કૌભાંડ પાછળ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જવાબદાર છે.

સી.આર પાટીલે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ

પાટીલે વધુમાં કહ્યું- ધીરજ સાહુ ભારત જોડો યાત્રામાં પણ જોડાયા હતા. એકબાજુ દેશમાં ભ્રષ્ટાચારને નાબુદ કરવા કામ કરતી ભાજપ સરકાર છે, તો બીજી તરફ ભ્રષ્ટાચારી ગેંગ એક થઈને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. રાહુલ ગાંધીની મોહબ્બતની દુકાનમાં નોટોનો પહાડ નીકળ્યો છે. હજી તો એક જ દુકાન ઝડપાઈ છે. આ કૌભાંડ પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસના નેતાઓના ઈશારે જ આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હતો.

ગાંધી પરિવારને ગણાવ્યો ભ્રષ્ટ પરિવાર

સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે આ મામલે મૌન છે. તેમણે બોલવું જોઈએ તેની જગ્યાએ ચૂપ થઈ ગયા છે. તેનું કારણ શું? એક સાંસદ પાસેથી આટલી રોકડ પકડાઈ તો તમામ સાંસદો પાસે કેટલી રકમ હશે? આ પ્રમાણે ગાંધી પરિવાર દુનિયાનો સૌથી ભ્રષ્ટ પરિવાર છે. આવા કૌભાંડ અને ભ્રષ્ટાચારના સેન્ટરનું નામ ગાંધી કરપ્શન સેન્ટર રાખવામાં આવે તો ખોટું નથી. કારણ કે આ તમામને ટ્રેનિંગ ત્યાં જ આપવામાં આવે છે.

(ઈનપુટ: સંજયસિંહ રાઠોડ, સુરત)

    follow whatsapp