Surat News: દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષના પ્રથમ દિવસે જ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે પોતાના નિવાસ સ્થાન સુરત ખાતે પોતાના સમર્થકો અને શુભેચ્છકોને મળવાનો કાર્યક્રમ રાખ્યો હતો. નવા વર્ષમાં સી.આર પાટીલને મળવા માટે મોટી સંખ્યામાં એમના સમર્થકો અને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. આ સમયે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નવા વર્ષની સૌ કાર્યકર્તાઓ, સમર્થકો અને આગેવાનોને શુભેચ્છા આપતા પોતાના સંકલ્પ વિષે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 માંથી 26 લોકસભા સીટો તો જીતવાની જ છે પણ દરેક સીટ 5 લાખ વોટોથી જીતવાની છે.
ADVERTISEMENT
5 લાખથી વધુ મતો સાથે જીત મેળવવાનો સંકલ્પ
ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું, હું ભાજપના કાર્યકર્તાઓથી લઈને સૌ આગેવાન મિત્રોને વિનંતી કરું છું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં આપણે ગુજરાતની 26એ 26 સીટ, જે આપણે પહેલા બે વાર જીત્યા છીએ, તે ત્રીજીવાર પણ ગુજરાતના સૌ ભાઈ-બહેન મતદારોના સહકાર સાથએ એમના આશીર્વાદથી 26એ 26 સીટો જીતીને હેટ્રિક કરવાની જ છે. સાથે 5 લાખથી વધુ મતોના જીત સાથેના સંકલ્પ સાથે આગળ વધવાનું છે.
પાટીલે વધુમાં કહ્યું, દિવાળીના દિવા આપણને અંધકારથી બહાર લાવે છે. આપ સૌના માધ્યમથી સૌને શુભેચ્છા પાઠવું છું. નવા વર્ષે નવા સંકલ્પ સાથે આગળ વધીએ. આ વખતે આપણે લોકસભાની 26 સીટો જીતવાની છે. મને વિશ્વાસ છે કે ગુજરાતીઓ ફરી મોદીજી પર વિશ્વાસ મુકશે.
(સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT