Surat Crime News: સુરતના પલસાણા ખાતે બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો છે. સુરત રૂરલ પોલીસે હત્યારી પત્ની શ્વેતા અને પ્રેમી વિપુલ કહારની ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT
ગળું દબાવીને રાકેશની કરાઈ હતી હત્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના પલસાણા ખાતે આવેલા સિવાલીક બંગલોઝમાં રહેતા અને એના કેળવણી મંડળ સ્કૂલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાકેશ નાયક નામના યુવકની 2 દિવસ પહેલા મોડી રાતે હત્યા કરી દેવામાં આવી હતી. મોડી રાતે રાકેશ નાયક પોતાના ઘરમાં પત્ની અને બાળકો સાથે સૂતા હતા ત્યારે બારીમાંથી ઘરમાં પ્રવેશીને કેટલાક ઈસમોએ તેમની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.
પોલીસને પત્ની પર ગઈ શંકા
જે બાદ મૃતકની પત્ની શ્વેતા નાયકે પોલીસને જણાવ્યું હતું કે, મોડી રાતે ઘરમાં ચોર ઘુસ્યા હતા, તેમણે મારા પતિની ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી અને અમારા ઘરમાં લૂંટ ચલાવી હતી. જોકે, પોલીસને શ્વેતાની વાત હજમ ન થતાં ઉલટ તપાસ શરૂ કરી હતી.
પોલીસની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
આ કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન પોલીસની તપાસમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી બાદમાં લૂંટનું નાટક રચ્યું હોવાનું સામે આવ્યું હતું. હકીકતમાં મૃતકની પત્ની શ્વેતા નાયક અને તેનો પ્રેમી વિપુલ કહાર બંને એક જ ઓફિસમાં કામ કરતા હતા. જેથી બંનેને પ્રેમ થઈ ગયો હતો.
હત્યાનો પ્લાન બનાવ્યો
જેમાં પતિ નડતરરૂપ થતાં બંનેને હત્યાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, રાત્રે પત્ની શ્વેતા પતિ રાકેશને ઘેનની દવા આપી હતી અને પ્રેમી વિપુલને બોલાવ્યો હતો. જે બાદ વિપુલ કહાર અને શ્વેતાએ ઉંઘમાં જ પતિની હત્યા કરી દીધી હતી. જે બાદ સોનના દાગીના અને લેપટોપ વગેરે પ્રેમીને આપીને ભગાવી દીધો હતો અને લૂંટનું નાટક રચ્યું હતું.
ADVERTISEMENT