Surat Rain News: સુરતમાં ચોમાસાની શરૂઆત થતા જ રસ્તાઓમાં ગાબડા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. પહેલા જ વરસાદમાં રસ્તાઓ બેસી જતા પાલિકાની પોલ ખુલ્લી પડી ગઈ છે. તો વરસાદના કારણે અકસ્માતની ઘટના પણ સામે આવી છે. રોડ પર 2-3 ફૂટ સુધીના ખાડા પડી જવાના બનાવો સામે આવતા પાલિકાની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
ગોડાદરામાં રોડ બેથી ત્રણ ફૂટ ધસ્યો
સુરતના ગોડાદરા વિસ્તારમાં રોડનો એક ભાગ બેસી ગયો હતો. રવિવારે રાત્રે શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ રોડ પર મોટા ભુવાઓ પડી રહ્યા છે. ગોડાદરામાં મિડાસ સ્ક્વેરની સામે રોડ બેસી ગયાના દ્રશ્યો સામે આવ્યા છે. રોડ ધસી પડતા એવું લાગે છે કે બેથી ત્રણ ફૂટ નીચે કોઈ પૂરાણ જ કરવામાં નથી આવ્યું અને માત્ર ડામરનો રોડ બનાવી દેવામાં આવ્યો છે.જો કોઈ ભારે વાહન અહીંથી પસાર થતા સમયે રસ્તો બેસી ગયો હોત તો જીવલેણ બન્યું હતું.
અડાજણમાં રેતી ભરેલો ટ્રક રોડમાં બેસી ગયો
આવી જ રીતે અડાજણમાં પણ રેલી ભરેલા ટ્રકનું ટાયર રોડ પર 3 ફૂટ સુધી અંદર બેસી ગયું હતું. એકાએક આ રીતે ટ્રકનું ટાયર રોડમાં ફસાઈ જતા આખી ટ્રક નમી ગઈ હતી. જેથી ટ્રક ચાલકનો જીવ તાળવે ચોંટ્યો હતો.
પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો ખર્ચ પાણીમાં!
સુરત શહેરમાં હજુ તો સામાન્ય વરસાદમાં આ રીતે રોડ પર ભૂવા પડવાના બનાવો સામે આવી રહ્યા છે, જે જોઈને તંત્રની પ્રી-મોન્સૂન પ્લાનિંગમાં ખર્ચેલા કરોડો રૂપિયા હાલની દ્રષ્ટિએ તો વ્યર્થ થઈ રહ્યું હોય એમ જણાઈ રહ્યું છે. આ પ્રકારના જોખમી ખાડા વાહન ચાલકોના જીવને જોખમ સર્જી શકે છે. ત્યારે તંત્ર હરકતમાં આવીને આવા જોખમી રસ્તાઓનું યોગ્ય સમારકામ કરે તે ખૂબ જરૂરી છે.
ADVERTISEMENT