Ahemedabad News: ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જેના કારણે પાર્ટીના કેટલાક નેતાઓ છાકટા બની ગયા છે. પાર્ટીમાં અંદરો-અંદર વિખવાદ એટલો છે કે પાર્ટીના નેતાઓ જ એકબીજાની પોલ પત્ર (લેટર) દ્વારા ખોલી નાખે છે. ગુજરાત ભાજપના નેતાની પોલ ખોલતા લેટર અત્યાર સુધીમાં અનેકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે. ત્યારે હવે અમદાવાદમાં ભાજપના નેતાઓની પોલ ખોલતો પત્ર વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે.
ADVERTISEMENT
'ધર્મેન્દ્ર શાહની ટોળકીનો પર્દાફાશ' નામથી લેટર ફરતો થયો
આ લેટર બોમ્બ કોઈ બીજાએ નહીં પરંતુ ભાજપના જ કોઈ કાર્યકર્તાએ ફોડ્યો હોવાની ચર્ચા છે. જોકે, કાર્યકર્તાએ પોતાનું નામ જણાવ્યું નથી. આ પત્રમાં મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ, તાજેતરમાં જ પ્રદેશ સહ કોષાધ્યક્ષ અને અમદાવાદ મહાનગરના સંગઠનના સહ પ્રભારી પદેથી હટાવાયેલા ધર્મેન્દ્ર શાહ, પૂર્વ કોર્પોરેટર આનંદ ડાગા, વિપુલ સેવક અને ધવલ રાવલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ધર્મેન્દ્ર શાહની ટોળકીનો પર્દાફાશ નામથી આ નનામો લેટર ફરતો થતા ભાજપમાં રાજકારણ ગરમાયું છે.
ભાજપ નેતાઓ પર લગાવાયા ગંભીર આરોપ
અમદાવાદ ભાજપના નેતાઓના ઘરે મોકલવામાં આવેલા આ લેટરમાં ધર્મેન્દ્ર શાહની ટોળકીએ પાર્ટીના નામે હોદ્દાનો દુરુપયોગ કરીને મોટા ભ્રષ્ટાચાર કરીને કરોડોની મિલકત ભેગી કરી હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જોકે, આ આરોપોને ભાજપ નેતાઓ દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે.
આ મામલે ભાજપ નેતાઓએ શું કહ્યું?
આ મામલે ભાજપ નેતા ધર્મેન્દ્ર શાહે કહ્યું છે કે, રાજકારણમાં વિઘ્નસંતોષીઓ હોય છે, આ બાબતે તમારે પાર્ટીમાં પૂછવું જોઈએ. મારે કંઈ કહેવાનું રહેતું નથી. તો પૂર્વ કોર્પોરેટર આનંદ ડાગાએ કહ્યું કે, કોઈ દુ:ખી આત્મા હશે, જે પત્ર લખી હેરાન કરવા માગે છે. મારા તો વર્ષોથી AMTSમાં બસના કોન્ટ્રાક્ટ ચાલે છે. આમાં મારે કંઇ કહેવાનું રહેતું નથી.
4 નેતાઓને બદનામ કરવા લખાયો પત્રઃ શહેર પ્રમુખ
લેટર બોમ્બ મામલે અમદાવાદના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે કહ્યું કે, આમાં પત્ર મોકલનારનું નામ લખવામાં આવ્યું નથી. કોઈએ 4 નેતાઓને બદનામ કરવા માટે આ પત્ર નામ વગર લખ્યો છે. આ પત્ર લખનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. આ માટે સૂચના આપી દેવામાં આવી છે.
પત્રમાં શું કરાયો છે આક્ષેપ
'ધર્મેન્દ્ર શાહની ટોળીના પર્દાફાશ'ના નામે વાયરલ થયેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે, આનંદ ડાગા, અમુલ ભટ્ટ, વિપુલ સેવક, ધવલ રાવલ આ બધા એક જ હારના મણકા છે. પાર્ટીના નામે હોદ્દાનો ઉપયોય કરી આ ટોળી રોકડીમાં જ પડી છે. ડાગાએ બધાને પૈસા બતાવી લટ્ટુ બનાવી દીધા છે. ધર્મેન્દ્ર તો પહેલાથી જ AMTSની બસો અને કચરાની ગાડીઓમાં ભાગીદાર છે. પછી પૈસા માટે લાળપાડું અમુલ ભટ્ટ સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન થયો એટલે ડાગા માટે બબાલ કરી હતી, તે બધા જાણે જ છે. આ ભાઈ એ વખતથી ડાગાની ઓફિસના પહેરેદાર બન્યા મણીનગર વિધાનસભાના બધા કાર્યકરો સારી રીતે જાણે છે પણ આ ચંડોળ ચોકડીને કારણે કોઈ બોલતા નથી.
'આ બધા ડાગાને સલામ કરે છે'
પત્રમાં લખવામાં આવ્યું છે કે, આ મોટે ભાગે દરરોજ ડાગાને સલામ કરવા જાય છે અને એના ઈશારે કામ કરે છે. શીતલબેન ડાગાને દંડક બનાવવામાં તેમનો મોટો રોલ હતો. હવેથી આ દરવાજે જતા બંધ થઈ જશે. એની પાસે રાતોરાત એટલો પૈસો કેવી રીતે આવ્યો? મણીનગરમાં દુકાનો, 2 કરોડની ઓફિસ, બે SUV કાર, બોલો... ચેરમેન હતા તો સિક્યુરીટીવાળા અને બીજા કોન્ટ્રાક્ટરો સાથે સેટિંગ કરીને ભારે રોકડી કરી છે. એના કોર્પોરેશનના PA અને અત્યારના બધા ચમચાઓ ખાનગીમાં બધુ કહે છે. મણીનગરની અને પહેલાની જોડેના લફરા પણ પક્ષના નેતાઓ અને આખુ ગામ જાણે છે. મણીનગરની બહેનોએ આ લંપટસ્વામીથી સાચવવું જોઈએ.
'અમુલ ભટ્ટ આ ટોળીનો જ સાગરીત'
હવે પ્રધાનમંત્રી, પાટીલ સાહેબ, બધા ધારાસભ્યોને પણ લેટરથી જાણથી થશે કે અમુલ ભટ્ટ આ ટોળીનો જ સાગરીત છે. હવે બધા બોલે છે કે આવાને કોણે ટિકિટ આપી? એની હવે ખાનગી તપાસ કરી બધી વાતો એક પછી એક લેટરથી જાણ થશે તેવું પત્રમાં લખવામાં આવ્યું છે.
ADVERTISEMENT