રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે ભારે ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે પ્રથમ વરસાદ બાદ જમીનમાં રહેતાં સરિસૃપ જીવો જમીનમાંથી બહાર આવી ચઢે છે. જેમાં ઝેરી તથા બિનઝેરી સર્પ, કોબ્રા, વિંછી, સાથે જ જળચર જીવ મગર બહાર આવી જાય છે. ઘણીવાર રહેણાંક વિસ્તારોમાં તો ક્યારેક કાર, બાઇક, મોપેડ કે બુટ-મોજડીમાં પણ આવા સરિસૃપ જીવો આવી ચઢતાં હોય છે. ચોમાસામાં વાહનો અને બૂટ-ચંપલો ખાસ ચેક કરવાં જોઈએ. કારણ કે, હાલમાં જ વડોદરામાં બાઈકમાં કોબ્રા નીકળવાની ઘટના બની છે. આ સિવાય મોજડીમાંથી પણ સાપ નીકળ્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
વડોદરામાં બાઈકમાં નીકળ્યો કોબ્રા
વડોદરામાં ચેતવણીરૂપ કિસ્સો સામે આવી છે. અહીં એક બાઈકની હેડલાઈટમાં એક કોબ્રા સાપ ધૂસી ગયો હતો. આ કાળોતરા સાપને જોઈ બાઇકચાલક યુવાન ડરી ગયો હતો અને તરત જ તેણે રેસ્ક્યૂ કરનારને ફોન કરી બોલાવ્યા હતા. તો આ રેસ્ક્યૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં યુવકે સાપને જોઈને એ રાજા... કહેતાંની સાથે જ સાપે ફેણ માંડી હતી. એ બાદ યુવક રેસ્ક્યૂ કરવા જતાં ફૂંફાડો મારીને કરડવાનો પ્રયાસ કર્યો હતો. અડધી કલાકની ભારે જહેમત બાદ સાપને બહાર કાઢવામાં યુવકોને સફળતા મળી હતી. ત્યારે ચોમાસામાં બાઈક ચલાવતા પહેલા ધ્યાન રાખવું જરૂરી છે.
મોજડીમાં છૂપાયો હતો સાપ
બૂટ-ચંપલ પહેરતાં પહેલાં પણ એકવાર તપાસ કર્યા બાદ જ પહેરવાં ચોમાસામાં હિતાવહ રહેશે. કારણ કે મોજડીમાં સાપ છૂપાયો હોવાની ઘટના સામે આવી છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોજડીમાં સાપની પૂછ બતાય છે. ત્યારબાદ રેસ્ક્યૂ ટીમ દ્વારા તેને બહાર કાઢવાનો પ્રયાસ કરાતાની સાથે જ સાપ ફૂંફાડો મારવા માટે અચાનક બહાર આવી જાય છે.
ADVERTISEMENT