Ahmedabad News: અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજ (LD Engineering College)ની હોસ્ટેલમાંથી લોહીથી લથપથ હાલતમાં એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. હાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
હોસ્ટેલમાંથી મળ્યો મૃતદેહ
મળતી માહિતી અનુસાર, માંડવીના ગોકુળવાસનો રહેવાસી અને એલડી એન્જિનિયરિંગ કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા ઉર્વીન નામના વિદ્યાર્થીનો હોસ્ટેલના 435 નંબરના રૂમમાંથી લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ પોલીસને કરવામાં આવતા ગુજરાત યુનિવર્સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
પોલીસે તપાસ હાથ ધરી
મૃતક વિદ્યાર્થીના હાથ અને ગળાના ભાગે બ્લેડ માર્યાના નિશાન હતા. જે બાદ પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટ અર્થ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસે કોલેજમાં શિક્ષકોની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે ગત જુલાઈ મહિનામાં યોજાયેલી પરીક્ષામાં મૃતક મોબાઈલ સાથે ઝડપાયો હતો. જે બાદથી તે ડેપ્રેશનમાં હતો. પ્રાથમિક તપાસમાં આત્મહત્યા હોવાનું જાણવા મળ્યું છે. મૃતકે જાતે જ બ્લેડ મારી આપઘાત કરી લીધો છે.
PM રિપોર્ટના આધારે કરાશે તપાસ
ઝોન 1 ડીસીપી હિમાંશુ વર્માએ જણાવ્યું કે, મૃતકના પીએમ રિપોર્ટ અને FSL રિપોર્ટના આધારે તપાસ કરવામાં આવશે. મૃતકના મિત્રો અને પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવશે.
ADVERTISEMENT