Vadodara News: વરસાદી માહોલ વચ્ચે વડોદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં શહેરના પાદરા વિસ્તારમાં આવેલી નવી કલેક્ટર કચેરીની સામે આવેલી શ્રી રામ ફાયનાન્સની ઓફિસમાં ACમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ દુર્ઘટનામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેઓને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ફાયનાન્સની ઓફિસમાં થયો બ્લાસ્ટ
મળતી માહિતી અનુસાર, શહેરના પાદરા રોડ પર આવેલી શ્રી રામ ફાયનાન્સની ઓફિસમાં અચાનક જ એર કન્ડિશનરમાં બ્લાસ્ટ થયો હતો. એસીમાં બ્લાસ્ટ થતાં ઓફિસમાં દોડોદોડી મચી જવા પામી હતી. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આજુબાજુમાં આવેલી ઓફિસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તો આ બ્લાસ્ટ અંગેની માહિતી મળતા જ એસીપી અને ડીસીપી સહિતનો પાલોસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
6 ઈજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલમાં
એસીમાં બ્લાસ્ટ થવાને કારણે ઓફિસમાં રહેલા કાચના ફૂરચા ઉડી ગયા હતા. આ ઉપરાંત અન્ય વસ્તુઓ પણ વેર વિખેર થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ 6 ઈજાગ્રસ્તો પૈકી 2 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે, એટલું જ નહીં આ બંનેને હોસ્પિટલમાં ICUમાં સારવાર આપવામાં આવી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા
ADVERTISEMENT