Rajkot Crime News: ગત શનિવાર 6 જાન્યુઆરીના રોજ રાજકોટ-અમદાવાદ હાઈવે પર હિરાસર નજીક અવાવરૂ જગ્યાએ અજાણી યુવતીની હત્યા કરેલી લાશ મળી આવી હતી. યુવતીની લાશ મળતાં જ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઘટનાના ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો હતો અને 5 આરોપીની ધરપકડ કરી હતી. હાલ પોલીસ દ્વારા આ આરોપીઓને જેલના સળીયાની પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
એરપોર્ટ નજીકથી મળ્યો હતો મૃતદેહ
પોલીસ તપાસમાં આ મૃતક મહિલાનું નામ ભાવના નિમાવત હોવાનું સામે આવ્યું હતું. કંઈ રીતે પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલ્યો તે અંગે ક્રાઈમ બ્રાન્ચના DCP પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલી અજાણી યુવતીની લાશ મુદ્દે પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં મૃતક મહિલાના ફોટોઝ વાયરલ કરીને આ યુવતી વિશે કોઈને જાણ હોય તો પોલીસની સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી. જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વાય.બી જાડેજા સહિતની ટીમને બાતમી મળી હતી કે મૃતક યુવતી દ્વારા અગાઉ 181ની ટીમને ગોંડલ ખાતે ફરિયાદ કરી હતી. જેના માધ્યમથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા 181 અભયમની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભાવનાની હત્યા સુધીનું પગેરું પોલીસને મળી ગયું હતું.
2023માં નરેશ વિરુદ્ધ કરી હતી અરજીઃ DCP
તેઓએ જણાવ્યું કે, મૃતક ભાવના દ્વારા ગોંડલ પોલીસમાં 2023ના ઓક્ટોબર મહિનામાં નરેશ પરમાર વિરુદ્ધમાં અરજી પણ આપવામાં આવી હતી. જે અરજીમાં તેણીએ જણાવ્યું હતું કે, નરેશ પરમાર દ્વારા તેને લગ્નનું વચન આપ્યું છે, તેમ છતાં તે લગ્ન કરવાથી ઇનકાર કરી રહ્યો છે. જેથી નરેશ પરમાર પર પોલીસની શંકા વધુ પ્રબળ બની ગઈ. આરોપી નરેશ પરમાર માર્કેટિંગના કામ સાથે સંકળાયેલો છે. જ્યારે મૃતક ભાવના નિમાવત પ્રાઇવેટ નોકરી કરતી હતી.
ભાવનાના દબાણથી કંટાળ્યો હતો નરેશઃ DCP
પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, મૃતક ભાવના નિમાવત નરેશ પરમાર નામના યુવક સાથે છેલ્લા એકાદ વર્ષથી પ્રેમ સંબંધમાં હતી. તેમજ તે નરેશને લગ્ન કરવા માટે અવારનવાર કહેતી હતી. પરંતુ નરેશને ભાવના સાથે લગ્ન ન કરવા હોય તે ભાવનાના દબાણથી કંટાળ્યો હતો. જેથી નરેશે પોતાના જ માતા-પિતા અને મિત્ર સહિતના લોકો મળી ભાવના નિમાવતની હત્યા કરી નાખવાનું નક્કી કર્યું હતું અને એક પ્લાન ઘડી કાઢ્યો હતો.
ભાવના નિમાવતની હત્યાનો ઘડ્યો પ્લાન
તેમણે જણાવ્યું કે, પ્લાન મુજબ જ નરેશે ભાવનાને જણાવ્યું કે આપણે ચોટીલા ખાતે ફૂલહાર કરીને પછી પતિ-પત્ની તરીકે સાથે રહીશું. આ સાંભળતા જ ભાવનાના હરખનો પાર નહોતો રહ્યો. પરંતુ ભાવનાને ક્યાં ખબર હતી કે નરેશની અસલી મંછા શું છે. ત્યારબાદ ષડયંત્ર મુજબ બે અલગ-અલગ ટુ વ્હીલરમાં નરેશ, ભાવના, તેના પિતા અને મિત્ર ચોટીલા જવા નીકળ્યા હતા. જે બાદ રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલધારી હોટેલની પાછળ અગાઉથી નિર્ધારિત કરેલા અવાવરૂ સ્થળ પર ભાવનાને લઈ જઈ છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી હતી.
ચોટીલા પાસે કરી નાખી હત્યા
ભાવના નિમાવતની હત્યા કર્યા બાદ તેનું પર્સ તેનો મોબાઈલ ફોન સહિતનો સામાન આરોપીઓએ પુરાવા ન મળે એટલે લઈ લીધો હતી, જેનો નરેશની માતાએ નાશ કર્યો હતો. જે તમામ લૂંટનો સામાન નરેશ પરમારની માતા દ્વારા ડિસ્પોઝ કરવામાં આવ્યો હતો.
5 આરોપીઓની ધરપકડ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હત્યાની ઘટનામાં મૃતક ભાવના નિમાવતના 24 વર્ષીય પ્રેમી નરેશ પરમાર તેના પિતા રમેશ પરમાર, માતા ભાનુ પરમાર, મિત્ર જયેશ રાઠોડ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને રાજકોટના રૈયાધાર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટઃ રોનક મજીઠીયા, રાજકોટ