Rajkot IND vs AUS News: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મેચ રમવા માટે રાજકોટમાં પહોંચી છે. જોકે મેચ પહેલા જ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પોતાના iPhoneને લઈને ચર્ચામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રોહિત શર્માનો iPhone મંગળવારે રાત્રે ચોરાઈ ગયો છે. જે હજુ સુધી મળી શક્યો નથી.
ADVERTISEMENT
પ્રેસ કોન્ફરન્સ બાદ રોહિતનો ફોન ચોરાયો?
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ગઈકાલે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરવા માટે આવ્યા હતા. નેટ પ્રેક્સિટ શરૂ થતા પહેલા રોહિત શર્મા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, પ્રેસ કોન્ફરન્સ બાદ અથવા નેટ પ્રેક્ટિસ બાદ રોહિત શર્માનો iPhone ચોરી થઈ ગયો હોવાની ચર્ચા હાલ થઈ રહી છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. SCAના મીડિયા મેનેજર હિમાંશુ શાહએ નિવેદન આપ્યું છે કે, “આઇફોન ચોરાયાની કોઈ વિગત મારા ધ્યાને નથી આવી”.
હજુ સુધી ફોન ન મળ્યો હોવાની ચર્ચા
બીજી તરફ iPhone ચોરી થયો હોવાની માહિતી મળ્યા બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશનના હોદ્દેદારો તથા કર્મચારીઓ અને રાજકોટ પોલીસ દ્વારા ફોનને શોધવાનો પ્રયાસ કરાયો હતો. જોકે હજુ સુધી રોહિત શર્માનો ફોન ન મળ્યો હોવાની વિગતો મળી રહી છે. ખાસ છે કે, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે અને ટીમ મેનેજમેન્ટ સાથે સીધો સંપર્કમાં રહેતો હોય છે, ટીમના ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોમાં પણ તે સામેલ હોય છે. એવામાં તેનો ફોન ચોરી થવો એ ગંભીર બાબત કહી શકાય છે.
ADVERTISEMENT