Rajkot Game Zone Fire: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. આવક કરતા વધુ પ્રોપર્ટી મામલે ACBના સકંજામાં રહેલા પૂર્વ TPO મનસુખ સાગઠિયાએ મોટો ધડાકો કરતા ગેરકાયદેસર TRP ગેમ ઝોન તોડી ન પાડવા માટે લાંચ લીધી હોવાનો સ્વીકાર કર્યો છે. આ ઉપરાંત તેણે ACB સમક્ષ અનેક પ્લાન પાસ કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું પણ સ્વીકારી લીધું છે.
ADVERTISEMENT
લાંચ લઈને ના તોડ્યું ગેમ ઝોન
ખાસ છે કે, 2021માં TRP ગેમ ઝોન નાના પાયે શરૂ કરવામાં આવ્યો હતો અને થોડા સમય બાદ તેમાં વધુ ગેરકાયદે બાંધકામ કરીને તેને મોટો બનાવવામાં આવ્યો હતો. દરમિયાન મનપાની ટાઉન પ્લાનિંગ શાખાએ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે નોટિસ આપી હતી, પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી થઈ નહોતી, આથી ઘટનામાં મનસુખ સાગઠિયાની ભૂમિકા શંકામાં હતી. ત્યારે ACB સમક્ષ સાગઠિયાએ વટાવા વેરી દીધા હતા અને કોર્પોરેટર નીતિન રામાણીની ભલામણથી લાંચ લઈને ગેમ ઝોનનું ડીમોલિશન ન કર્યું હોવાનો સ્વીકાર કર્યો હતો. એવામાં હવે આગામી દિવસોમાં કોર્પોરેટર નીતિન રામાણી પર પણ સકંજો કસાય તેવી શક્યતા છે.
અગ્નિકાંડમાં 27 માસુમના મોત થયા
જો મનસુખ સાગઠિયાએ લાંચ ન લઈને પોતાની ફરજ બજાવતા TRP ગેમ ઝોન તોડી પાડ્યું હોત તો આજે 27 જેટલા માસુમના મોત અગ્નિકાંડમાં ન થયા હોત. અહીં TPOની સીધી બેદરકારી સામે આવી રહી છે. ગેમ ઝોન કાંડમાં અત્યાર સુધીમાં મહાનગરપાલિકાના 8 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સાગઠિયા પાસેથી મળી કરોડોની સંપત્તિ
નોંધનીય છે કે, રાજકોટ મહાનગર પાલિકાના સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાએ પાસેથી આવક કરતા વધુ કરોડોની સંપત્તિ અને રોકડ મળી આવી હતી. ACB તપાસમાં પહેલા 10 કરોડની પ્રોપર્ટી મળી આવી હતી. બાદમાં સાગઠિયાની સીલ કરેલી ઓફિસમાં તપાસ કરતા 3 કરોડ રોકડા અને 15 કરોડના સોના-ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ મળી આવી હતી. જેને લઈને સાગઠિયાએ અનેક પ્લાન પાસ કરીને કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો શંકા ગઈ હતી, જે દિશામાં તપાસ કરતા હવે અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે.
ADVERTISEMENT