Surat News: દાગીના વેચીને ઘર માટે ભેગા કરેલા 4 લાખ રસ્તામાં પડી ગયા, યુવકે માલિકને શોધીને બેગ પરત કરી

સુરતના પરિવારે ઘર માટે દાગીના વેચીને 4 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. પુના વિસ્તારમાંથી નીકળતા સમયે રોકડા ભરેલી બેગ રસ્તામાં પડી ગઈ હતી. રસ્તે જતા…

gujarattak
follow google news
  • સુરતના પરિવારે ઘર માટે દાગીના વેચીને 4 લાખ રૂપિયા ભેગા કર્યા હતા.
  • પુના વિસ્તારમાંથી નીકળતા સમયે રોકડા ભરેલી બેગ રસ્તામાં પડી ગઈ હતી.
  • રસ્તે જતા યુવકને બેગ મળ્યા બાદ માલિકને શોધીને પૈસા પરત કર્યા

Surat News: માનવતા હજુ જીવે છે. સુરતમાં આવેલા પુના વિસ્તારમાં યોગીચોક નજીક ભાઈને મકાન અપાવવા માટે પત્નીના દાગીના વેચીને પરિવારે એકઠા કરેલા 4 લાખ રૂપિયા ભરેલી બેગ પડી ગઈ હતી. મધ્યમ વર્ગના પરિવારની આટલી મોટી રકમ પડી જતા બધા મુશ્કેલીમાં મૂકાયા હતા. જોકે અહીંથી પસાર થતા એક યુવકને આ પૈસા ભરેલી બેગ મળતા તેણે મૂળ માલિકને શોધીને પૈસા પરત કર્યા હતા. જે બાદ શિક્ષણમંત્રીએ પણ વ્યક્તિની ઈમાનદારીને બિરદાવીને શાલ ઓઢાડીને તેનું સન્માન કર્યું હતું.

ઘર પાસેથી યુવકને રોકડ ભરેલી બેગ મળી

વિગતો મુજબ, સુરતના પુના વિસ્તારમાં રહેતા મુકેશ તળાવિયાને ઘર પાસેથી 4 લાખ રૂપિયા ભરેલી એક બેગ મળી આવી હતી. આ પૈસા અન્ય કોઈના નહીં પરંતુ બાજુની જ સોસાયટીમાં રહેતા અશોક મૂંઝાના હતા. જેણે પોતાના ભાઈને ઘર લેવા માટે પત્નીના દાગીના વેચીને 4 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. જોકે પૈસા ભરવા માટે જતા રસ્તામાં પડી ગયા હતા. આ કારણે પરિવાર ચિંતિત બન્યો હતો.

બેગના માલિકને શોધવા યુવકે તજવીજ હાથ ધરી

બીજી તરફ પૈસા ભરેલી બેગ મળતા મુકેશભાઈએ બેગના માલિકને શોધવાની તજવીજ શરૂ કરી અને સ્થાનિક લોકોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. થોડા સમયમાં જ અશોકભાઈ પોતાના પરિવાર સાથે રૂપિયા શોધતા શોધતા ત્યાં પહોંચ્યા અને પોતાની ઓળખ આપીને રૂપિયા પોતાના હોવાનું જણાવ્યું હતું. મુકેશભાઈએ જે બાદ પૈસા ભરેલી બેગ તેમને પરત કરી દીધી હતી.

શિક્ષણમંત્રીએ યુવકની ઈમાનદારીનું સન્માન કર્યું

આ સમગ્ર બાબતની જાણ આ જ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાને થઈ હતી. તેઓ બંને પરિવારને મળ્યા હતા અને પૈસા પરત કરનાર પરિવારની ઈમાનદારીને બિદરદાવી હતી. આટલું જ નહીં તેમણે મુકેશભાઈનું શાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું.

    follow whatsapp