Rajkot News : રાજકોટમાં જાહેર માર્ગ પર મહિલાની ધમાલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે એક્ટિવા વચ્ચે સામાન્ય અકસ્માત બાદ એક એક્ટિવાચાલક મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી. જાહેર રોડ પર તેમણે પોતાનું જ એક્ટિવા સળગાવી દીધું. દાતરડું કાઢીને ગાળો બોલી. બાદમાં નાચવા લાગી. રાહદારીઓએ ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. સ્થાનિકોનો આરોપ છે કે આ મહિલા નશાની હાલતમાં હતી.
ADVERTISEMENT
રાજકોટમાં મહિલાએ જાતે જ પોતાનું એક્ટિવા સળગાવ્યું
રાજકોટમાં સયાજી હોટેલ નજીક આવાસ યોજના ક્વાર્ટર્સ પાસે બે એક્ટિવાચાલક મહિલા વચ્ચે સામાન્ય ટક્કર થઈ હતી. આ અકસ્માત બાદ એક મહિલાએ એક્ટિવાને નુકસાન થયું હોવાનું કહેતા ખર્ચો માંગ્યો હતો. જ્યારબાદ સામેની એક્ટિવાચાલક મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને રોડ પર તમાશો કર્યો હતો.
દાતરડું હાથમાં લઈને બોલી- 'આ એક્ટિવા જોઈએ છે'
વાયરલ વીડિયોમાં બંને એક્ટિવાચાલક અકસ્માત બાદ બોલાચાલી કરતી હોવાનું જોવા મળી રહ્યું છે. ઉશ્કેરાયેલી મહિલા સામેની મહિલાને ડરાવવા માટે દાતરડું લઈને આવી અને સામેની મહિલાને કહ્યું કે, 'આ એક્ટિવા જોઈએ છે'. આવું બોલીને ગાળો ભાંડી હતી. બાદમાં આ મહિલાએ પોતાની એક્ટિવાને પછાડીને તેને આગના હવાલે કરી દીધી હતી. બાદમાં તે નાચવા લાગી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. જો કે, આ વીડિયો વાયરલ થતા રાજકોટ તાલુકા પોલીસ દ્વારા યુવતી સામે જી.પી. એક્ટ કલમ 135 મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે.
રાજકોટ પોલીસે મહિલા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ. હરિપરાએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, 'વીડિયો વાયરલ થયો છે. જેમાં દેખાતી યુવતી પોતે આવાસ યોજના ક્વાર્ટરમાં જ રહે છે. જાતે તેમણે પોતાનું એક્ટિવા સળગાવી દીધું હતું. જેની સામે જી.પી. એક્ટ કલમ 135 મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે. યુવતી દારૂના નશામાં હોવાની ચર્ચા વાઇરલ વીડિયોમાં થતા તેમના બ્લડ સેમ્પલ લઈ આ માટે પણ કાર્યવાહી કરાઈ રહી છે. જો કે, હજુ સુધી યુવતી દારૂના નશામાં હતી કે નહીં તે સામે આવ્યું નથી.
ADVERTISEMENT