- રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં તબીબે ઓપરેશનનું નાટક કરીને પૈસા પડાવી લીધા.
- 26 વર્ષના મહિલા દર્દીની ઓપરેશન બાદ તબિયત વધુ લથડી.
- બેદરકારી બાદ હોસ્પિટલ મેનેજમેન્ટ ઓપરેશન રૂપિયા પણ પરત આપવા તૈયારી દર્શાવી.
Rajkot News: રાજકોટમાં આવેલી વોકહાર્ટ હોસ્પિટલમાં ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં ડોક્ટર્સ દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. હોસ્પિટલે પૈસા લઈને દર્દીને ઓપરેશન રૂમમાં લઈ ગયા, જોકે અંદર દર્દીનું ઓપરેશન જ નહોતું કરવામાં આવ્યું. જેના કારણે મહિલા દર્દીને ચાલવા કે બેસવામાં તકલીફ પડી રહી છે અને સરકારી નોકરી પણ ગુમાવવાનો વારો આવ્યો છે.
ADVERTISEMENT
7 મહિના પહેલા ગાદીનું ઓપરેશન કરાવ્યું હતું
વિગતો મુજબ, ઉપલેટાના પરિવારના 26 વર્ષના કિરણબેનનું ગાદી ખસી જતા રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં 7 જુલાઈ 2023ના રોજ ગાદીનું ઓપરેશન કરાવ્યું હતું. જોકે ઓપરેશન બાદ તેમની તબિયત વધુ ખરાબ થઈ અને બેસવા કે ચાલવામાં પણ સમસ્યા આવવા લાગી. આ બાદ અમદાવાદમાં હોસ્પિટલમાં લઈ જઈને પરિજનોએ તેમનું ચેકઅપ કરાવ્યું હતું. જેમાં દર્દીની પહેલા જેવી જ પરિસ્થિતિ રિપોર્ટમાં સામે આવી હતી. તબીબોએ મહિલા દર્દીનું ઓપરેશન કર્યું જ નહોતું, શરીરમાં કાપા પાડીને માત્ર ટાંકા લઈ લીધા હતા.
ગંભીર ચૂક સામે આવતા હોસ્પિટલે પૈસા આપવાની તૈયારી બતાવી
પરિજનોને આ બાબતની જાણ થતા તેઓ હોસ્પિટલમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટે આટલી મોટી બેદરકારી સામે માત્ર ઓપરેશનના પૈસા પાછા આપવાની તૈયારી દર્શાવી. બીજી તરફ કિરણબેનને હોસ્પિટલની બેદરકારીના કારણે સરકારી નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. આટલું જ નહીં ચાલવા અને બેસવામાં પણ તકલીફ પડી રહી છે.
ડોક્ટરને સસ્પેન્ડ કરવાની માંગ
આ અંગે મહિલા દર્દીના બેન શાંતિબેને જણાવ્યું હતું કે, મારા બહેનની કમરની ગાદી ખસી જતા 7 જુલાઈ 2023ના રોજ ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશનના 15 દિવસે પણ રાહત ન થતા ડોક્ટર સાથે ફોન પર વાત કરી હતી. તો અમને સોનોગ્રાફી કરાવવા માટે કહ્યું. અમે 4000 ખર્ચીને સોનોગ્રાફી કરાવી. બાદમાં ડોક્ટરને 3 વખત બતાવતા આવીને દવા લઈ જવા માટે કહ્યું. દવા નહોતી લેવી એટલે તો ઓપરેશન કરાવ્યું હતું. આ કોઈ સામાન્ય ઓપરેશન નથી કે ખોલાવીને બીજી વખત કરાવી શકીએ. તો ડોક્ટરે એવું કહ્યું કે, તમને કોઈ બીજી વખત કરી આપે તો કરાવો એની ફી હું આપી દઈશ. તમે ભરેલી ફી છે તે પણ લઈ જાઓ. મહિલા દર્દીના પરિજનોએ માંગ કરી છે કે ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે જેથી અન્ય કોઈ દર્દી સાથે આવી ઘટના ન બને.
ઓપરેશન કરનાર ડોક્ટરે શું દાવો કર્યો?
વોકહાર્ટ હોસ્પિટલમાં દર્દીના ગાદીના ઓપરેશન ન થયાનો મુદ્દે ઓપરેશન કરનાર ડો.કાંત જોગાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દર્દીને કમરનો “વા”ની બિમારી હતી. ઓપરેશન કર્યાના બે મહિના પહેલા પગનો દુખાવો હતો. ઓપરેશન બાદ પગનો દુખાવો દૂર થયો છે. પરંતુ હાલમાં તેને વાનો દુખાવો છે. અમદાવાદમાં જે તબીબને બતાવ્યું છે તે તબીબે ઓપરેશન નથી કર્યું તેવું નથી કહ્યું. ગાદીનું ઓપરેશન કર્યા બાદ MRI કરવાથી ગાદીનો ઘસારો દેખાય છે. અમે જુલાઇ 2023માં ઓપરેશન કર્યું હતું. દર્દીને અનેક બિમારીઓ હતી તેની અનેક દવા ચાલુ હતી.
દર્દીના આરોપો બાદ હોસ્પિટલનો ખુલાસો
વોકહાર્ટ હોસ્પિટલ્સની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું કે, જે દર્દીનું ગાદીનું ઓપરેશન કરવામાં આવ્યું તે દર્દીને ઘણા વર્ષોથી જ આર્થરાઈટીઝ, હાઈપરટેંશન, હાઈપોથાઇરોયડીઝમ તેમજ હાઈપરલિપીડેમિયા જેવી ગંભીર બીમારીઓ હતી, તેના કારણે તેમને દુખાવો વધુ રહેતો હતો. પરંતુ તેને છેલ્લા 2 મહિનાથી ડાબા પગમાં અસહ્ય દુખાવો થવાથી એમઆરઆઈ કરવામાં આવેલ જેમાં જાણવા મળેલ કે કમરના નીચેના મણકામાં ગાદી ખસી ગઈ હતી જેમાં ઓપરેશન કરવું જરૂરી બને છે જેનાથી ઓપરેશન બાદ માત્ર ને માત્ર પગનો દુખાવો ઓછો થાય છે એ બધું ઓપરેશન પહેલા ડોક્ટરોએ સમજાવ્યું હતું.
આર્થરાઈટીઝના લીધે તેમને કમરમાં દુખાવો રહેતો હતો જે ઓપરેશનથી દૂર થઈ શકે નહીં. આ ઓપરેશન પેહલા ડોક્ટરોએ બધું સમજાવેલ હતું.દર્દીએ જામનગરની સિવિલ હોસ્પિટલમાં એમઆરઆઈ કરાવ્યો જેમાં રિપોર્ટમાં ઓપરેશનની જગ્યાએ કોઇ ઈન્ફેક્શન દેખાયા નહોતા અને વોકહાર્ટ હોસ્પિટલ્સમાં તો ઓપરેશન જ નથી થયું તેવી ખોટી માહિતી દર્દીના પરિવાર દ્વારા ફેલાવવામાં આવી જે તદ્દન જુઠ્ઠાણું છે.
(રોનક મજીઠિયા, રાજકોટ)
ADVERTISEMENT