Rajkot News: અયોધ્યામાં રામ મંદિરમાં આજે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ યોજાઈ ગયો. આ સમારોહના મુખ્ય અતિથી PM મોદી હતા. 5 સદી બાદ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. ગુજરાતમાં પણ ઠેર-ઠેર રામ ભક્તો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકોટના વીરપુરમાં હિન્દુ-મુસ્લિમની કોમી એકતાનું ઉત્તમ ઉદાહણ જોવા મળ્યું. અહીં મુસ્લિમ બિરાદરોએ દિલ જીતનારું કામ કરતા શોભાયાત્રા દરમિયાન પાણી-શરબતના સ્ટોલ લગાવ્યા હતા.
ADVERTISEMENT
વીરપુરમાં નીકળી રામજીની શોભાયાત્રા
અયોધ્યામાં આજે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. ત્યારે સમગ્ર વીરપુર ગામને રંગબેરંગી લાઈટોથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. લોકોએ ઘરે ઘરે એક જ સરખી રંગોળીઓ પણ બનાવી છે. યાત્રાધામ વીરપુરમાં આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં હજારો ગ્રામજનો જોડાયા હતા, શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરીને જલારામ મંદિર પહોંચી હતી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને યોજાયેલ શોભાયાત્રામાં હિન્દુ-મુસ્લિમની એકતા પણ જોવા મળી હતી.
મુસ્લિમ બિરાદરોનું સરાહનીય કાર્ય
જેમાં મુસ્લિમ સમાજના યુવાનોએ શોભાયાત્રામાં પાણી અને શરબતના સ્ટોલ લગાવ્યા હતા. આ કાર્યથી મુસ્લિમ સમાજના યુવાનોએ સૌ કોઈનું દિલ જીતી લીધું હતું. એક તરફ જ્યારે દેશમાં ઘણી જગ્યાએ ધર્મને લઈને દંગા થાય છે, રામની શોભાયાત્રા પર પથ્થરમારો થાય છે. ત્યારે બીજી તરફ મુસ્લિમ સમાજમાં આવા પણ યુવાનો છે, જેઓ પ્રેરણારૂપ છે.
આ અંગે ઇનાયત મકવાણાએ જણાવ્યું કે, સમગ્ર દેશવાસીઓને અમે વીરપુરથી ખાસ ખાસ શુભકામના આપીએ છીએ. અમે વીરપુર સુન્ની મુસ્લિમ જમાત કમિટીથી અમે બધાએ યોગદાન આપ્યું છે અને પાણી વિતરણ કરી રહ્યા છીએ. જલારામ બાપાના દરબારમાંથી બધાને એકતાનો મેસેજ મળે છે. આપણો ભારતદેશ એક ગુલદસ્તો છે. જેમ ગુલદસ્તામાં જુદી જુદી સુગંધના ફુલો હોય છે, તેમ આપણો દેશ પણ દરેક ધર્મોથી મહેકે છે.આ જ દેશનો ગુલદસ્તો છે, આ કાયમ રહે.
(રોનક મજીઠીયા, રાજકોટ)
ADVERTISEMENT