Rajkot TRP Mall Fire: રાજકોટમાં TRP મોલમાં આગની ઘટનામાં 28 લોકો જીવતા ભડથું થઈ ગયા. આગની ઘટના બાદ મોલના સંચાલક તથા મેનેજર સહિત 6 આરોપીઓમાંથી 3ની ધરપકડ કરી લેવામાં આવી છે, તો જવાબદાર 6 અધિકારીઓને પણ સસ્પેન્ડ કરાયા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ પર આકરા પ્રહાર કરાયા હતા અને ભાજપ નેતા પણ મોલની મુલાકાત લેતા હોવાનો આરોપ કર્યો હતો.
ADVERTISEMENT
'ઉચ્ચ અધિકારી-પદાધિકારીના FIRમાં નામ દાખલ કરો'
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને આગની ઘટનામાં કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું, હું દુઃખ સાથે કહું છું કે આજે મ્યુનિસિપાલિટીના કેટલાક નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. જે જગ્યા પર સરકારનો મોટામાં મોટા અધિકારી અને પદાધિકારી જતા હોય અને ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ થયા હોય, શું નાનો અધિકારી ત્યાં પગલાં લઈ શકે? મારો સવાલ છે. જ્યાં મેયર જતા હોય, મ્યુનિ. કમિશનર જતા હોય અને આ ફોટો તેમના સોશિયલ મીડિયામાં મૂકાતા હોય ત્યાં નાનો અધિકારી જઈને બંધ કરાવી શકે ખરો. સરકારની જવાબદારી છે. ઉચ્ચ અધિકારી-પદાધિકારીના FIRમાં નામ દાખલ કરો. આ અમારી પહેલી માંગ છે.
ભાજપ નેતાની તસવીરો શેર કરી
આ સાથે શક્તિસિંહ ગોહિલે ભાજપના મેયરની ઓટો એક્સપોની તસવીર પણ શેર કરી હતી. TRP અરેનામાં યોજાયેલા કાર્યક્રમમાં મેયર જતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. જે TRP અરેનાના સોશિયલ મીડિયામાં પણ શેર કરાયો હતો. આ બાદ તેમણે પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના મહામંત્રી અરવિંદ રૈયાણી, કિશોર રાઠોડ સહિત ભાજપ નેતાઓની તસવીર બતાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે આ નેતાઓ પણ ત્યાં જતા હતા.
સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ
શક્તિસિંહ ગોહિલે વધુમાં આરોપ લગાવ્યો કે, સરકાર આ દુર્ઘટનામાંથી પાઠ નથી શીખી રહી. સરકાર મોટી માછલીઓને છાવરી રહી છે. ગેમ ઝોન પ્રશાસનના આશરામાં ચાલતું હતું. રાજકોટમાં હપ્તારાજ ચાલે છે. નાના અધિકારીઓને સસ્પેન્ડ કરીને મોટી માછલીઓને બચાવાઈ રહી છે.
ADVERTISEMENT