Rajkot News: દબાણ હટાવવા ગયેલી મનપા અને પોલીસની ટીમ પર પથ્થરમારો, PI સામે યુવકે ફિનાઈલ પીધું

રાજકોટમાં દબાણ હટાવવા માટે ગયેલી મનપા અને પોલીસની ટીમ પર હુમલો. ટોળાએ પોલીસ અને મનપા ટીમને ઘેરીને પથ્થરમારો કર્યો. હુમલાની ઘટનામાં મહિલા પોલીસકર્મી ઈજાગ્રસ્ત થઈ…

gujarattak
follow google news
  • રાજકોટમાં દબાણ હટાવવા માટે ગયેલી મનપા અને પોલીસની ટીમ પર હુમલો.
  • ટોળાએ પોલીસ અને મનપા ટીમને ઘેરીને પથ્થરમારો કર્યો.
  • હુમલાની ઘટનામાં મહિલા પોલીસકર્મી ઈજાગ્રસ્ત થઈ જતા હોસ્પિટલ ખસેડાયા.

Rajkot News: રાજકોટના થોરાળા મેઈન રોડ પર આવેલી સ્વામિનારાયણ સ્કૂલ પાસે પાથરણાવાળાને હટાવવા ગયેલા પોલીસ અને મનપાની ટીમ સાથે કેટલાક શખ્સોએ ઝઘડો કરીને પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં એક મહિલા કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થઈ જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. તો એક યુવકે પોલીસની સામે જ ફીનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસનો ચાંપતો બંદોબસ્ત સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો હતો.

થોરાળા રોડ પર દબાણ હટાવવા પહોંચી હતી મનપાની ટીમ

વિગતો મુજબ, થોરાળા મેઈન રોડ પર સ્વામિનારાયણ સ્કૂલ પાસે મનપાની ટીમ દબાણ હટાવવા માટે પોલીસ સાથે પહોંચી હતી. આ દરમિયાન ત્યાં હાજર ટોળાએ પોલીસની ટીમ તથા દબાણ શાખાની ટીમને ઘેરી લીધા હતા અને પથ્થરમારો કર્યો હતો. જેમાં મહિલા કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા આ સાથે સરકારી વાહનોને પણ નુકસાન થયું હતું. ટોળાએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. જે સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી.

મહિલા પોલીસકર્મી હોસ્પિટલમાં

ઘટનાને પગલે થોરાળા પોલીસ સ્ટેશનના PI ભાર્ગવસિંહ ઝણકાટ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેઓએ ટોળાને ઘેરી લીધા હતા. ટોળામાંથી એક વ્યક્તિએ જ્ઞાતિના લીધે અપમાનિત કરાયા હોવાના આરોપ સાથે સ્થળ પર જ ફીનાઈલ પી લીધું હતું. જેને બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા ટોળા વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. તો ઘટના સ્થળ પર પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    follow whatsapp