રાજકોટ: અમદાવાદમાં નબીરા તથ્ય પટેલે બેફામ કાર હંકારીને 9 નિર્દોષ લોકોના જીવ લઈ લીધા છતાં કાર ચાલકો હજુ સુધરી રહ્યા નથી. રાજકોટમાં તથ્ય પટેલવાળી થતા સહેજ માટે અટકી ગઈ હતી. એક બેફામ કાર ચાલકે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં અકસ્માત સર્જ્યો હતો. જેમાં ટુ-વ્હીલર્સને અડફેટે લઈને દીવાલ સાથે અથડાઈને કાર ઊભી રહી હતી. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT
વિગતો મુજબ, રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં બેફામ સ્કોર્પિયો ચાલકે અનેક ટુ-વ્હીલર્સને અડફેટે લીધા હતા. સાથે શાકભાજી લઈને જતા લારી ચાલકને પણ અડફેટે લીધો હતો. જેમાં લારી ચાલક ઈજાગ્રસ્ત થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.
અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે સ્કોર્પિયો કાર પૂરપાટ ઝડપે અનેક બાઈકને ઢસડીને જઈ રહી છે અને દીવાલ સાથે અથડાઈને ઊભી રહી જાય છે. અકસ્માતમાં વાહનોને મોટું નુકસાન થયું હતું. જોકે સદનસીબે મોટી જાનહાનિ થતા બચી ગઈ. જો સોસાયટીમાં રમતું કોઈ બાળક કે રસ્તે જતી વ્યક્તિ વચ્ચે આવી હોત તો અકસ્માત જીવલેણ બની ગયો હોત.
(વિથ ઈનપુટ: નિલેશ શિશાંગિયા)
ADVERTISEMENT