રાજકોટ: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોના મોત થયા બાદ પોલીસ દ્વારા રાજ્યભરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ તથા બેફામ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે રાજકોટમાં ખુદ પોલીસકર્મી જ દારૂ પીને બેફામ કાર હંકારી અકસ્માત સર્જ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં સાયકલ પર જતી એક કિશોરીને પોલીસે કારથી અડફેટે લીધી હતી. મામલે હવે યુનિવર્સિટી પોલીસે PSIની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
ભૂજમાં ફરજ બજાવતા PSIનો રાજકોટમાં અકસ્માત
વિગતો મુજબ, પોલીસકર્મી લક્ષ્મીનારાયણ વ્યાસ ભૂજ પોલીસમાં વાયરલેસ વિભાગમાં PSI તરીકે ફરજ બજાવે છે. શનિવારે સાંજે તેઓ પોતાની કાર લઈને યુનિવર્સિટી રોડ પરથી નીકળતા સમયે સાયકલ પર જતી એક 17 વર્ષની સગીરાને અડફેટે લીધી હતી. કારની ટક્કર વાગતા સગીરાને ઈજા પહોંચી હતી. આ બાદ PSIએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ત્યાં હાજર લોકોએ તેમને ભાગવા દીધા નહોતા અને મેથીપાક આપ્યો હતો.
દારૂ પીધેલા પોલીસકર્મીને પોલીસને સોંપ્યો
અકસ્માત બાદ કાર ચાલક PSI લથડિયા ખાતો હતો અને તેના મોંમાંથી પણ વાસ આવતી હતી. આ બાદ કાર ચાલક પોતે PSI હોવાનો રોફ માર્યો હતો. જોકે ત્યાં સુધી યુનિવર્સિટી પોલીસ ત્યાં પહોંચી જતા પોલીસે PSIની અટકાયત કરી લીધી હતી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે હાલમાં PSI વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT