Diwali Festival 2023: દિવાળીના તહેવારને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડીને લોકો ઉજવણી કરતા હોય છે. ત્યારે રાજકોટમાં દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ રાજકોટમાં દિવાળીમાં ફટાકડા માત્ર રાત્રિના 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી જ ફોડી શકાશે. પોલીસના જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી થશે.
ADVERTISEMENT
એરપોર્ટ-હોસ્પિટલ નજીક ફટાકડા નહીં ફોડી શકાય
રાજકોટમાં દિવાળીના તહેવાર પહેલા પોલીસ કમિશનરનું જાહેરનામું સામે આવ્યું છે. જેમાં સુપ્રીમ કોર્ટના નિયમ તથા ગ્રીન ફટાકડા ફોડવાનો ઉલ્લેખ કરાયો છે. જાહેરનામા મુજબ દિવાળીએ રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ પછી ફટાકડા નહીં ફોડી શકાય. આ ઉપરાંત પેટ્રોલ પંપ, શાળા-કોલેજ, ધાર્મિક સ્થળો, એરપોર્ટ, ગોડાઉન, હોસ્પિટલ કે જાહેર સ્થળો નજીકમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
દિવાળીને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ફટાકડા માર્કેટમાં મોટા પ્રમાણમાં લોકો ફટાકડા ખરીદવા પહોંચી રહ્યા છે. ઘણીવાર લોકો મોડી રાત સુધી ફટાકડા ફોડતા બાળકો, સીનિયર સીટિઝન અને બીમાર લોકોને તકલીફ પડતી હોય છે. એવામાં સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂર અપાઈ છે.
ADVERTISEMENT