Rajkot News: રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના એક વિવાદિત નિવેદન વિરુદ્ધ ક્ષત્રિય સમાજ ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યો છે. આ વચ્ચે શુક્રવારે પરષોત્તમ રૂપાલા રાજકોટમાં ક્ષત્રિય સમાજના કુળદેવી મા આશાપુરાના મંદિર પહોંચ્યા હતા અને માતાજીને ચૂંદડી ચડાવીને દર્શન કર્યા હતા. આ બાદ તેમણે પ્રંચડ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. જે બાદ સંકેત મળી રહ્યા છે કે ગુજરાતમાં વિવાદ વચ્ચે દિલ્હીમાં મીટિંગ બાદ પરષોત્તમ રૂપાલાને ચૂંટણી લડવા માટે લીલીઝંડી મળી ગઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં 'પંચ ન્યાય'ની વાત, ખેડૂતોથી લઈને બેરોજગાર સુધી આ વર્ગને આપી ગેરંટી
મહિલા મિલન કાર્યક્રમમાં રૂપાલાની હાજરી
હાલમાં જ દિલ્હીમાં ભાજપની બેઠકમાં હાજરી આપીને ગુજરાતમાં પરત આવેલા પરષોત્તમ રૂપાલાએ મહિલા મિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સાથે આત્મનિર્ભર મહિલાઓ સાથે ટિફિન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે,જેના અન્ન ભેગા, તેના મન ભેગા. દેશમાં મહિલા શક્તિને આગળ વધારવામાં આવી રહી છે. હું પણ ક્યાંક મહિલા શક્તિને સહયોગ આપવાનો પ્રયાસ કરીશ.
આશાપુરા માતાના દર્શન કરીને લીધા આશીર્વાદ
આટલું જ નહીં પરષોત્તમ રૂપાલાએ માતાજીના દર્શન કરીને X પર ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં લખ્યું હતું, રાજકોટ ખાતે શ્રી માં આશાપુરા મંદિરે આદ્યશક્તિ માતાજીના શરણે શીશ નમાવીને, સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી. જ્યારે અન્ય એક પોસ્ટમાં તેઓ રાજકોટમાં ઘરે-ઘરે જઈને જનસંપર્ક કરતા જોવા મળ્યા હતા અને પ્રચંડ વિજય માટે મતદારોના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પણ વાંચો: Amreli News : અમરેલીના રાજુલામાં જૂની અદાવતમાં યુવક પર એસિડ એટેક, પોલીસતંત્ર થયું દોડતું
ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે રૂપાલાનો વિરોધ
ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં જુદા જુદા સ્થળોએ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા અમદાવાદમાં ભાજપના આગેવાનો સાથે ક્ષત્રિય સમાજની બેઠક પણ યોજાઈ હતી, જોકે તેમાં કોઈ પરિણામ આવ્યું નહોતું.
(ઈનપુટ: રોનક મજિઠિયા, રાજકોટ)
ADVERTISEMENT