- રાજકોટના ઉપલેટામાં માતાએ 9 મહિનાની બાળકીને એસિડ પીવડાવીને પોતે આપઘાત કર્યો.
- 9 માસની બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાઈ.
- પતિએ મૃતક પત્ની વિરુદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી.
Rajkot News: રાજકોટના ઉપલેટામાં જનેતાએ જ માસુમ દીકરીનો જીવ લીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં એકલી રહેલી માતાએ 9 માસની માસુમ દીકરીને એસિડ પીવડાવી દીધું હતું અને બાદમાં પોતે પણ એસિડ પી લીધું હતું. આ બાદ મહિલાએ ફોન કરીને પતિને આ અંગે જાણ કરતા પરિજનો ઘરે દોડી ગયા હતા અને માતા તથા પુત્રીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર મળતા પહેલા જ મહિલાનું મોત થઈ ગયું, જ્યારે 9 માસની દીકરીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ અંગે પતિએ મૃતક પત્ની વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો છે.
ADVERTISEMENT
ઘરમાં એકલી મહિલાએ બાળકીને એસિડ પીવડાવ્યું
વિગતો મુજબ, ઉપલેટાના ભીમોરા ગામમાં રહેતા મનીષાબેન મકવાણા રવિવારે બપોરે ઘરમાં એકલા હતા. આ દરમિયાન તેમણે 9 માસની માસુમ પુત્રી ધાર્મીને એસિડ પીવડાવીને પોતે પણ એસિડ પી લીધું હતું. આ બનાવ બાદ તેમણે વાડીએ કામે ગયેલા પતિને ફોન કરીને તેની જાણ કરી હતી. જેથી પરિવારજનો દોડતા ઘરે આવ્યા હતા અને બેભાન હાલતમાં માતા તથા પુત્રીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે મહિલાનું સારવાર મળતા પહેલા જ મોત થઈ ગયું હતું.
બાળકીની હાલત ગંભીર
બીજી તરફ 9 માસની દીકરીની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવ પર પતિ જગાભાઈ મકવાણાની ફરિયાદના આધારે પાટણવાવ પોલીસે પત્ની મનીષાબેન સામે પુત્રીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે.
બે વર્ષ પહેલા મહિલાના લગ્ન થયા હતા
ખાસ છે કે મઘરવાડા ગામની મનીષાબેનના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. ઘટના સમયે પતિ, સાસુ તથા દીયર વાડીએ કામે ગયા હતા. ત્યારે ઘરમાં એકલા હોવા દરમિયાન તેમણે આવેશમાં આવીને આ પ્રકારનું પગલું ભરી લીધું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘરકંકાશના કારણે ઘટના બની હોવાને લઈને પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT