Rajkot News: દિવાળીના તહેવાર પહેલા જ કમાણી માટે લોકોના સ્વાસ્થ્ય ચેડા કરનારા ભેળસેળીયા તત્વો સક્રિય થયા છે. મોટા પ્રમાણમાં ક્યારેક નકલી ઘી, તો ક્યારેક નકલી પનીર અને માવાનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. આ વચ્ચે રાજકોટમાં હવે મુખવાસમાં પણ ભેળસેળની ઘટના સામે આવી છે. દિવાળીના તહેવાર પહેલા જ આરોગ્ય વિભાગની ટીમે તપાસ દરમિયાન 1 ટનથી વધુ કલરયુક્ત મુખવાસ જપ્ત કર્યો છે.
ADVERTISEMENT
મુખવાસમાં કલર મિક્સ કરેલો મળ્યો
વિગતો મુજબ, રાજકોટના પરા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા મુખવાસની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અમૃત નામની પેઢીમાં તપાસ કરતા જુદા જુદા 15થી 20 પ્રકારના મુખવાસ હતા. આ મુખવાસમાં કલરની માત્રા જે 100 PPM સુધીની હોવી જોઈએ તેના કરતા વધારે મળી આવી હતી. તેમાં પાણી નાખતા જ કલર છૂટો પડી રહ્યો હતો. અંદાજે 1000 કિલો જેટલો મુખવાસ મળી આવ્યો હતો. જે કલર મળી આવ્યો છે તે પણ ખૂબ જ હાર્ડ પ્રકારનો હતો. આ સાથે જામનગરી મુખવાસના વેપારીઓ કલર મિક્સ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
તહેવાર ટાણે ભેળસેળિયા તત્વો બેફામ
ખાસ છે કે દિવાળીના તહેવારમાં લોકો મુખવાસનું વધારે સેવન કરતા હોય છે. ઘરે આવેલા મહેમાનને મુખવાસ ખાસ અપાય છે. ત્યારે હવે આ મુખવાસમાં પણ ભેળસેળ મળી આવતા તેના જથ્થાને જપ્ત કરી લેવાયો છે. ખાસ છે કે, તહેવાર ટાણે જ રાજ્યમાં ક્યારેક મિઠાઈ તો ક્યારેક ઘી સહિતના ખાદ્ય પદાર્થોમાં મોટા પાયે ભેળસેળ મળી રહી છે અને કાયદાનો પણ ડર ન હોય તેમ બેફામ તત્વો સામાન્ય નફા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે.
ADVERTISEMENT