Rajkot News: રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાને પ્રદેશ કોંગ્રેસે વિપક્ષ નેતા પદેથી હટાવી દીધા છે. ત્યારે હવે અર્જુન ખાટરિયાએ ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી દીધી છે. તેઓએ જણાવ્યું કે, પ્રદેશ કોંગ્રેસે મારી પાસેથી રાજીનામું માંગ્યું જ નથી, પ્રદેશ કોંગ્રેસે જ તેના લેટર દ્વારા મને જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા પદથી દૂર કર્યો છે.
મેં કોંગ્રેસને ટકાવી રાખવા કર્યું છે કામઃ અર્જુન ખાટરિયા
તેઓએ જણાવ્યું કે, મેં કોંગ્રેસને ટકાવી રાખવામાં ખૂબ તાકાતથી જિલ્લામાં કામ કર્યું હતું. જિલ્લા પંચાયત તૂટતી હતી, ત્યારે તેને ટકાવી રાખવા અમે ખૂબ સહયોગ આપ્યો હતો.
મેં કોઈને નુકસાન પહોંચાડ્યું નથી: અર્જુન ખાટરિયા
તેઓએ જણાવ્યું કે, ક્યા નેતાએ મારા પર આક્ષેપ કર્યો એ મને ખબર જ નથી. કોંગ્રેસ પાર્ટીમાં કોઈની સાથે મારી નારાજગી નથી. મેં કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. હાઈકમાન્ડ સાથે મારી વાત થઈ નથી. કોંગ્રેસની અયોધ્યા મુદ્દે નીતિ સ્પષ્ટ નથી. હું રામમંદિરથી પ્રેરાઇને ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં હતો, આ વાતની પ્રદેશ કોંગ્રેસને જાણ થતા તેણે મને પદ પરથી હટાવ્યો હોઈ શકે છે.
‘મારી સાથે ઘણા કાર્યકરો ભાજપમાં જોડાશે’
આ સાથે જ તેમણે ભાજપમાં જોડાવવાને લઈને કહ્યું કે, ભાજપનું હાઈકમાન્ડ અને નેતાઓ જાણ કરશે ત્યારે હું ભાજપમાં જોડાઈશ. મારી સાથે જિલ્લા અને તાલુકામાંથી કોંગ્રેસના સહકારી નેતાઓ પણ ભાજપમાં જોડાશે. આ ઉપરાંત ઘણા કાર્યકરો પણ ભાજપમાં જોડાશે.