Rajkot News: વિદેશમાં પૈસા કમાવવા ગયેલા રાજકોટના યુવક પર ચોરીનો આરોપ મૂકીને કંપનીના માલિક દ્વારા તેને એક મહિનાથી બંધક બનાવાયો હોવાની ઘટના સામે આવી છે. કંપનીના માલિક દ્વારા યુવકના પરિવારજનોને વીડિયો કોલ કરીને જુગારમાં હારી ગયેલા 8 હજાર ડોલર પાછા માંગ્યા હતા. જેની સામે પરિવારે 6 લાખ જેટલા આપવાની તૈયારી દર્શાવી હતી. હવે કંપની માલિક દ્વારા 22,500 ડોલર એટલે કે 20 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
બે વર્ષ પહેલા યુવક આફ્રિકા ગયો હતો
વિગતો મુજબ, રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતો જય કોરિયા નામના યુવક બે વર્ષ પહેલા આફ્રિકા પૈસા કમાવા માટે ગયો હતો. સ્થાનિક કંપનીમાં બે વર્ષ કામ કર્યા બાદ કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતા તેને લોધિકાના વતની મેહુલ ગોહેલની ઓફ્રિકાના કોંગોમાં આવેલી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરીએ લાગ્યો હતો. અહીં તે કંપનીના તમામ આર્થિક વહીવટ સંભાળતો હતો. દરમિયાન કંપનીના 8 હજાર ડોલર એટલે કે 6.80 લાખનો હિસાબ ન મળતા જય કોરિયાએ ચોરી કર્યાનો આરોપ લગાવીને કંપની માલિકે તેને એક રૂમમાં પૂરી દીધો હતો.
6.80 લાખની સામે માલિકે માંગ્યા 22 લાખ
જયને બંધક બનાવીને 6.80 લાખની રકમ માટે પરિવારજનોનો વીડિયો કોલથી સંપર્ક કરવામાં આવ્યો હતો. રાજકોટમાં રહેતો જયના પરિવારે કંપનીના માલિક મેહુલ ગોહેલ સાથે વાત કરી અને મકાન વેચીને પૈસા ચૂકવી આપવા પણ તૈયારી દર્શાવી. જોકે હવે કંપની માલિક 22.50 લાખ રૂપિયાની માગણી કરી રહ્યો છે. જે સાંભળીને પરિવાર પણ ચોંકી ગયો હતો. કંપની માલિક જયને મુક્ત કરવાના બદલે એક રૂમમાં ગોંધી રાખીને ટોર્ચર કર્યો હતો. પુત્રને છોડાવવા માટે પરિવારે ભારતીય એમ્બેસોની પણ સંપર્ક કર્યો પરંતુ હજુ સુધી તેમને કોઈ સફળતા મળી નથી.
પરિવારે સરકાર પાસે મદદ માંગી
તો બીજી તરફ કંપનીના માલિકે જયના માતાને જણાવ્યું કે, જય અને તેનો મિત્ર જુગારમાં 8 હજાર ડોલર હારી ગયા છે અને આ રકમની ચોરી કરી છે. પરિવારનું કહેવું છે કે, જયે ગુનો કર્યો હોય તો તેને પોલીસને હવાલે કરી દેવામાં આવે. પરંતુ કંપની માલિક દ્વારા આફ્રિકા પોલીસને સોંપવાના બદલે ટોર્ચર કરવામાં આવી રહ્યો છે. એવામાં હવે પરિવારે ભારત સરકાર અને ગુજરાત સરકાર પાસે મદદની માંગણી કરી છે.
ADVERTISEMENT