Rajkot News: રાજકોટમાં દર વર્ષે યોજાના જન્માષ્ટમીના લોકમેળાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે પાંચ દિવસના લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે પહેલીવાર રાજકોટના લોકમેળામાં આ વખતે યાંત્રિક રાઈડ્સ વગર શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે મેળાના પ્રથમ દિવસે જ લોકોને પાંખી હાજરી જોવા મળી હતી. રાઈડ્સ શરૂ ન થતા સ્ટોલ ધારકોએ પણ લોકમેળાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારીને સ્ટોલ બંધ કરી દીધા હતા.
ADVERTISEMENT
રાઈડ્સને ન મળી લોકમેળામાં મંજૂરી
લોકમેળાના ઉદ્ઘાટન દરમિયાન રાજકોટના પ્રભારી મંત્રી અને કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ. રાઈડ્સ સંચાલકો નિયમ મુજબ ચાલશે તો મંજૂરી આપવામાં આવશે. વહીવટી તંત્ર સાથે મળીને ચર્ચા કરી યાંત્રિક રાઈડ્સ શરૂ કરવા માટે રાજકોટ વહીવટી તંત્રને સૂચન રાધવજી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
રૂપાણીએ કહ્યું- મેળો થોડો ફિક્કો છે
લોકમેળાના ઉદ્ઘાટન દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, આ વખતના મેળામાં કમનસીબી વાત એ છે કે રાઈડ્સને મંજૂરી આપવામાં આવી નથી. TRP ઝોનની દુર્ઘટના પછી હાઈકોર્ટના કડક વલણના કારણે લોકોની સેફ્ટી માટે આ વખતે રાઈડ્સના નોર્મ્સ નક્કી કરવામાં ટેકનિકલ મંજૂરી મળી નથી. એટલે આમ જોઈએ તો મેળો થોડો ફિક્કો છે. કારણ કે રાઈડ્સ વગર છોકરાઓનો આનંદ-કિલ્લોલ, ચકરડીમાં ફરવાની જે મજા હોય છે તેમાં આ વખતે થોડી ફિકાસ છે.
સ્ટોલ ધારકોએ મેળાનો કર્યો બહિષ્કાર
જ્યારે ચિરાગ ખખ્ખર નામના સ્ટોલ ધારકે જણાવ્યું હતું કે, ચકરડી વગરનો મેળો લોકમેળો ન કહેવાય. સ્ટોલવાળા અમે બધા બહિષ્કાર કરીએ છીએ. અમારે ધંધો નથી કરવો. અમે સરકારને પૈસા તો આપી દીધા છે. આ ધરોહર મેળો નથી, ધરાહાર મેળો થયો છે. અમે અત્યારે સ્ટોલ બધા બંધ કરી દીધા છે. અમે મેળાનો બહિષ્કાર કર્યો છે. રાઈડ્સ ચાલુ ન થાય તો અમારે પણ ધંધો નથી કરવો.
ADVERTISEMENT