Rajkot News: શેરબજારમાં રોકાણ કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. ભારતીય શેર બજાર સતત નવી સપાટીએ પહોંચી રહ્યું છે. કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ શેર બજારમાં રોકાણ કરીને રાતોરાત કરોડપતિ બનવાના સપનાઓ જોતા હોય છે. ત્યારે આવા લોકોને છેતરનાર લોકો પણ ટાંપીને બેઠા હોય છે. રાજકોટમાંથી પણ એવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ-પત્નીએ શેર બજારમાં રોકાણ કરી મોટું વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે. કંઈ રીતે આ બંટી-બબલી લોકોને ફસાવતા હતા ચાલો જાણીએ...
ADVERTISEMENT
કર્ણાટકથી પતિ-પત્નીને પોલીસે ઝડપ્યા
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસના સંયુક્ત ઓપરેશનથી કર્ણાટકથી રાહુલ સોની અને તેની પત્ની અદિતિ સોનીને ઝડપી પાડવામાં આવ્યા છે, જેઓ દોઢ વર્ષથી ફરાર હતા. "એન્જલ વન" નામથી આ બંને ઠગબાજોએ ઓફિસ ખોલી હતી અને 103 જેટલા લોકો સાથે ત્રણ કરોડ જેટલી રકમની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયા હતા.
22 ટકા વળતરની આપતા લાલચ
રાજકોટ પશ્ચિમના ACP રાધિકા ભારાઈએ જણાવ્યું કે, શેરબજારમાં રોકાણમાં રસ ધરાવતા લોકોને આ ઠગબાજો 22% જેટલા વળતરની લાલચ આપતા હતા અને 3થી 4 મહિના સુધી નિયમિત વ્યાજ પણ ચૂકવતા હતા. જેથી લોકોને શંકા ન જાય અને આગળ જતાં રોકાણ કરનાર વધુ વળતરની લાલચથી વધુ રકમનું રોકાણ કરે. બે-ત્રણ મહિના વ્યાજ આપી ત્યારબાદ વળતર આપવાનું બંધ કરી દેતા હતા.
પોલીસે લોકોને કરી અપીલ
તેમણે કહ્યું કે, આ ઠગબાજ દંપતીના ભોગ બનનાર લોકોની સંખ્યા અને રકમ હજુ પણ આવનારા દિવસોમાં વધી શકે છે. કારણ કે પોલીસે લોકોને અપીલ કરી છે કે 'કોઈ આ રીતે આ લોકોના ભોગ બન્યા હોય તો પોલીસને જાણ કરે.'
નિષ્ણાંતોની સલાહ બાદ કરવું જોઈએ રોકાણ
આ ઘટના શેરબજારમાં રોકાણ કરતાં લોકો માટે ચેતવણી સમાન છે. કોઈ પણ બ્રોકર અથવા કંપનીની યોગ રીતે ખરાઈ કર્યા બાદ જ તેમના દ્વારા શેરબજારમાં રોકાણ કરવું જોઈએ અને રાતોરાત શેરબજાર દ્વારા કરોડપતિ થવાની લાલચથી પણ દૂર રહેવું જોઈયે. કારણ કે કોઈ પણ પ્રકારનું રોકાણ નિષ્ણાંતોની સલાહ લીધા બાદ કરવાથી યોગ્ય વળતર મળે છે.
રિપોર્ટઃ રોનક મજીઠીયા, રાજકોટ
ADVERTISEMENT