Rajkot Accident: ગોંડલ શહેર નજીક નેશનલ હાઈવે પર વહેલી સવારે બોલેરો કાર અને સ્વીફ્ટ કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં બંને કારમાં સવાર 4 યુવકોના કરુણ મોત નિપજ્યા હતા. ઘટનાને લઈને પોલીસે યુવકોના મૃતદેહને પોસ્ટમ મોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
બોલેરો સાથે ટક્કર બાદ સ્વિફ્ટનું એન્જિન છુટું પડ્યું
વિગતો મુજબ, ગોંડલ શહેરના નેશનલ હાઈવે પર આવેલા દેવ સ્ટીલ પાસે વહેલી સવારે સ્વીફ્ટ કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતી બોલેરો સાથે ધડાકાભેર અથડાઈ હતી. સૂત્રો મુજબ, સ્વીફ્ટ કારની સ્પીડ વધારે હતી એવામાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તે સામેની લેનમાં પહોંચી ગઈ હતી. આ બાદ કારે 20 ફૂટ જેટલી પલટી મારી હતી. કારની ટક્કર એટલી ભયાનક હતી કે સ્વીફ્ટ કારમાંથી એન્જિન પણ છુંટું પડી ગયું હતું.
4 યુવકોના કરુણ મોત
અકસ્માતના કારણે હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતને લઈને 108 સ્થળ પર પહોંચી હતી અને મૃતકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ગોંડલ સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતમાં બોલેરોમાં જતા ગોંડલના ક્રિપાલસિંહ જાડેજા અને સિદ્ધરાજસિંહ જાડેજા તથા જ્યારે સ્વિફ્ટ કારમાં ધોરાજીમાં રહેનારા વિરમ પરમાર અને સિદ્ધાર્થ કાચા નામના યુવકોના મોત થઈ ગયા. ખાસ વાત એ છે કે સિદ્ધાર્થ કાચાનું જન્મદિવસના દિવસે જ અકસ્માતમાં અવસાન થઈ ગયું.
(ઈનપુટ: રોનક મજીઠિયા, રાજકોટ)
ADVERTISEMENT