Rajkot Game Zone Fire: રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગની ઘટનામાં 28 લોકોના મોત નિપજ્યા હતા. આગની ઘટના બાદથી જ સરકાર એક્શનમાં આવી હતી અને સોમવારે સૌથી પહેલા 7 જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા. હવે સરકારે વધુ મોટી કાર્યવાહી કરીને મોટા અધિકારીઓ સામે પણ પગલા લીધા છે. જે મુજબ, રાજકોટમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ બ્રિજેશ ઝાને નવા પોલીસ કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો હતો
રાજકોટમાં આગકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી સુઓમોટો પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા સરકારનો ઉધડો લેવામાં આવ્યો હતો. કોર્ટે સમગ્ર ઘટના માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ઠેરવ્યા હતા. હાઈકોર્ટની લાલ આંખ બાદ સરકાર દ્વારા તાબડતોબ બદલીના આદેશ છૂટ્યા હતા. એવામાં હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં અન્ય કોઈ મોટા અધિકારીઓ સામે પણ સરકાર કાર્યવાહી કરે છે કે કેમ?
કયા-કયા IPS અધિકારીઓ સામે કાર્યવાહી?
- રાજકોટ શહેરના પોલીસ કમિશનર IPS રાજુ ભાર્ગવની બદલી કરાઈ છે અને પોસ્ટીંગની રાહ જોઈ રહ્યા છે. જ્યારે તેમની સામે અમદાવાદ શહેરના સેક્ટર-2ના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાને રાજકોટ શહેરના પોલીસ કમિશનર બનાવાયા છે.
- રાજકોટ શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર IPS વિધિ ચૌધરીની બદલી કરાઈ છે અને જોકે તેમને પણ કોઈ પોસ્ટિંગ અપાયું નથી અને વેઈટિંગ પર રખાયા છે. તેમના સ્થાને કચ્છ-ભુજના DIG મહેન્દ્ર બાગરિઆને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
- રાજકોટ શહેર ઝોન-2ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સુધીરકુમાર દેસાઈનું ટ્રાન્સફર કરાયું છે પરંતુ પોસ્ટિંગ અપાયું નથી અને વેઈટિંગમાં રખાયા છે. તેમના સ્થાને વડોદરા સેન્ટ્રલ જેલના સુપ્રીટેન્ડન્ટ જગદીશ બંગાર્વાને ટ્રાન્સફર કરીને જવાબદારી સોંપવામાં આવી છે.
રાજકોટના મ્યુનિ. કમિશનરની પણ બદલી
IPS અધિકારીઓ ઉપરાંત રાજકોટના મ્યુનિસિપલ કમિશનર IAS આનંદ પટેલની પણ બદલી કરવામાં આવી છે. આનંદ પટેલની જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને ઔડાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડી.પી દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે.
7 અધિકારીને સસ્પેન્ડ કરાયા
રાજકોટ અગ્નિકાંડ મામલે રાજ્ય સરકારે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં સોમવારે સવારે જવાબદાર 7 અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. જેમાં RMCના આસિસ્ટન્ટ પ્લાનર અને આસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ કરાયા છે. સાથે આર. એન. બી. વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા છે. ઉપરાંત રાજકોટ શહેરના બે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પોલીસ વડા દ્વારા વી. આર. પટેલ અને એન. આઈ. રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
- ગૌતમ જોશી - આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા
- જયદીપ ચૌધરી - આસિસ્ટન્ટ એન્જિનિયર, રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા
- એમ.આર. સુમા - નાયબ કાર્યપાલક ઈજનેર, રાજકોટ બાંધકામ માર્ગ અને મકાન વિભાગ
- વી.આર. પટેલ - પોલીસ ઈન્સ્પેક્ટર, રાજકોટ રીડર શાખા
- એન. આઈ. રાઠોડ - પોલીસ ઈન્સ્પેક્ટર, ગાંધીગ્રામ - ૨ (યુનિવર્સિટી)
- પારસ કોઠીયા - નાયબ કાર્યપાલક ઈજનેર, રાજકોટ
- રોહિત વિગોરા - સ્ટેશન ઓફિસર, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ, રાજકોટ મહાનગરપાલિકા
(વધુ વિગતો ઉમેરાઈ રહી છે)
ADVERTISEMENT