Rajkot Fire: રાજકોટમાં TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટનામાં 27 જેટલા લોકો જીવતા ભડથું થઈ ગયા. અગ્નિકાંડની ઘટનાને અઠવાડિયું થયા બાદ હવે ભાજપ મંત્રી તથા પૂર્વ ધારાસભ્ય સામે આવ્યા છે અને પીડિતો પ્રત્યે દુઃખ લાગતા મીડિયા સમક્ષ આંસુ વહાવ્યા હતા. આટલું જ નહીં આગની ઘટનામાં તેમની સંડોવણી સામે આવશે તો જાહેર જીવન છોડી દેવા સુધી પણ તેમણે નિવેદન આપ્યું હતું.
ADVERTISEMENT
મીડિયા સામે મંત્રી ભાનુબેન બાબરિયા રડ્યા
રાજકોટમાં અગ્નિકાંડ બાદ આજે બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા મીડિયા સમક્ષ આવ્યા હતા. આ દરમિયાન તેઓ રડી પડ્યા હતા અને તેમની આંખમાં આસું આવ્યા હતા, જોકે બાદમાં તેઓ રડતા રડતા હસ્તા પણ દેખાયા હતા. તેમણે કહ્યું કે, 25 મેએ શનિવારે TRP ગેમ ઝોનમાં દુર્ઘટના સમયે હું રાજકોટમાં નહોતી. જોકે બીજા દિવસે રાજકોટ પહોંચી અને સિવિલમાં મૃતકોના પરિજનોને મળીને સાંત્વના પાઠવી હતી. SITની રચના કરવામાં આવી છે ત્યારે તેમાં જે પણ કોઈ જવાબદાર હશે તેમની સામે પગલા લેવામાં આવશે. ઉપરાંત તેમણે ઉમેર્યું કે, સમગ્ર ઘટનામાં ક્યાંય ભાનુબેન બાબરિયાની જવાબદારી ખુલશે તો હું જાહેર જીવન છોડી દઈશ.
સીનિયર નેતા ગોવિંદ પટેલે પણ કહી રાજનીતિ છોડવાની વાત!
આવી જ રીતે રાજકોટથી ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા ગોવિંદ પટેલે પણ કહ્યું હતું કે, TRP ગેમ ઝોનમાં બેનલી દુર્ઘટના શરમજનક છે. આ પ્રકારની ઘટના ફરી ન થાય તે માટે સરકાર સતર્ક છે. આથી SITની રચના કરી દીધી છે. SIT યોગ્ય દિશામાં કાર્યવાહી કરી રહી છે અને કોઈપણ જવાબદારોને સરકાર છોડશે નહીં. જો આ ઘટનામાં મારી સામે ગેરરીતિ સાબિત થશે તો ગોવિંદ પટેલ નહીં હોય.
રાજકોટ દુર્ઘટનામાં 27 લોકોના મોત
નોંધનીય છે કે, રાજકોટમાં TRP મોલમાં 25 મેના રોજ અચાનક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આખો ગેમ ઝોન બળીને રાખ થઈ ગયો. દરમિયાન અંદર રહેલા લોકો પણ જીવતા ભડથું થઈ ગયા હતા. આગની ઘટનામાં 27 જેટલા લોકોના કરુણ મોત નિપજ્યા હતા. આગ એટલી ભયાનક હતી કે લોકોના મૃતદેહ પણ ઓળખાતા નહોતા અને DNA ટેસ્ટ કરીને પરિજનોને મૃતદેહો સોંપવા પડ્યા હતા.
ADVERTISEMENT