Rajkot News: ગુજરાતમાં અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ખેડૂતોને ડુંગળીનું વાવેતર કર્યું હતું. ડુંગળીના ઉત્પાદન સમયે ભાવ 600થી 8000 રૂપિયા પ્રતિ 20 કિલો હતો. જોકે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકાતા ભાવ અચાનક ઘટીને 200થી 300 રૂપિયા પ્રતિ 20 કિલો થઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. જેના કારણે સૌરાષ્ટ્રના સૌથી મોટી ગોંડલ માર્કેટ યાર્ડ બહાર ખેડૂતોએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
ADVERTISEMENT
ખેડૂતોએ નેશનલ હાઈવે જામ કર્યો
ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ રાજકોટમાં ગોંડલ-જૂનાગઢ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. હાઈવે પર જ ડુંગળી ફેંકી દીધી હતી અને રસ્તા પર ખેડૂતો ઉતરી આવ્યા હતા. ગોંડલ માર્કેટયાર્ડની બહાર જ ખેડૂતોના વિરોધના પગલે પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો.
નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની માંગ
ભેંસાણના ધોળવા ગામેથી ડુંગળી વેચવા માટે આવેલા એક ખેડૂતે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, હું ધોળવા ગામથી ડુંગળી વેચવા ગોંડલ યાર્ડ આવ્યો છું. પહેલા 600થી 800 ભાવ હતા તે અત્યારે 200થી 300 રૂપિયા કરી નાખ્યા છે. ખેડૂતને આ કોઈ ભાવે પોસાતું નથી. ખેડૂતો મરવા તૈયાર છે પણ ડુંગળી વેચવા તૈયાર નથી. રોડ અમે બ્લોક કરવાના છીએ. સરકારને જે કરવું હોય તે કરી લે. બંધ કરેલી નિકાસ ચાલુ કરો પછી જ અમે અહીંથી ઊભા થશું.
ADVERTISEMENT