Rajkot Crime News: ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજકોટમાં પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોએ છરીના ઘા મારીને એક યુવકની હત્યા કરી નાખી. આટલું જ નહીં યુવકના માતા-પિતાને પણ માર માર્યો હતો. હાલમાં પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને વ્યાજખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ADVERTISEMENT
મૂડી આપી દીધી છતાં વ્યાજની માંગણી કરી
વિગતો મુજબ, રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલા પાસે ત્રણ શખ્સોએ સૂરજ ઠાકર નામના યુવકને છરીના ઘા મારીને રહેંશી નાખ્યો હતો. યુવકે વ્યાજે લીધેલા રૂપિયા પાછા આવી દીધા હોવા છતાં વ્યાજખોરો વધુ રૂપિયાની માંગણી કરતા હતા. જોકે યુવકે પૈસા આપવાની ના પાડી દેતા વ્યાજખોરોએ હુમલો કરી દીધો હતો. જેમાં યુવકના માતા-પિતાને પણ માર મારતા તેઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.
યુવકને છરી મારી માતા-પિતાને માર માર્યો
મૃતક સુરજના ભાઈ મિહીર ઠાકરે કહ્યું કે, મારા પપ્પા એ લોકોને પૈસા આપવા ગયા હતા. મૂડી પાછી આપ્યા બાદ પણ તેઓ વ્યાજના પૈસા માગતા હતા. આથી મારા પિતાએ કહ્યું કે તમને મૂડી પાછી આપી દીધી હવે શેના પૈસા? તો મારા પિતાને લાફા મારી દીધા. મારા પપ્પા પાછા આવતા રહ્યા અને અમને બધી જાણ કરી. તો અમે પાછા પૈસા આપવા માટે ગયા ત્યારે જીગર ગોસાઈના દીકરાએ મારા ભાઈને છરીના ઘા મારી દીધા. મારી માતાને પણ બેટથી ફટકા માર્યા હતા.
(ઈનપુટ: રોનક મજિઠિયા, રાજકોટ)
ADVERTISEMENT