Rajkot Crime News: રાજકોટમાં સસ્તામાં સોનું આપવાની લાલચે 6 લાખ પડાવી લેનાર ટોળકીના 6 આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે. જાગનાથ પ્લોટ નજીક આવેલા આલાભાઈ ભઠ્ઠા પાસે ચાની હોટલ ચલાવતા યુવકને લાલચ આપીને આરોપીઓએ પૈસા લીધા હતા અને બાદમાં પોલીસની જીપ આવી હોવાનું કહીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલામાં પોલીસના જ બે આઉટ સોર્સિંગ ડ્રાઈવરની સંડોવણી સામે આવી છે.
ADVERTISEMENT
ચા પીવા આવતા શખ્સે કર્યો ખેલ
રાજકોટના મંછાનગરમાં રહેતા મૈયાભાઈ ગમારા નામના યુવકે એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મજબ, તેની હોટલમાં ચા પીવા આવતા મુનાફ નામના શખ્સે સસ્તા ભાવે સોનું ખરીદવાની વાત કરી હતી. આથી તેમણે લગ્ન હોવાથી મોટાભાઈને સસ્તામાં સોનાના બિસ્કીટની વાત કરી હતી અને સોનું ખરીદવા મુનાફ અને આસિફને મળ્યા હતા. બંનેએ કસ્ટમમાંથી સસ્તું સોનું અપાવવાની વાત કરી હતી. આ માટે ફરિયાદીએ એડવાન્સમાં 50 હજાર આપ્યા હતા.
પોલીસના આઉટ સોર્સિંગ ડ્રાઈવરો પણ ગુનામાં સામેલ
આ બાદ મુનાફે ફોન કરીને જણાવ્યું હતું કે, પાર્ટી સોનું લઈને આવે છે, તમે 5.50 લાખ તૈયાર રાખજો. 1લી જાન્યુઆરીના રોજ વિરાણી ચોકમાં સાંજે તેઓ સોનું લેવા માટે ગયા હતા. બાદમાં પૈસા લઈને પોલીસ આવી ગઈ તેવું તરકટ રચ્યું હતું અને ત્યાંથી ભાગી ગયા હતા. જોકે હકીકતમાં આ પોલીસ જીપ નહીં પરંતુ પોલીસના જ બે આઉટ સોર્સિંગ ડ્રાઈવર લઈને આવ્યા હતા. મનીષ ત્રિવેદી અને અશોકસિંહ જાડેજા નામના બે શખ્સોએ છેતરપિંડીમાં પોલીસ કારનો ઉપયોગ કરીને 10 હજાર રૂપિયા વસૂલ્યા હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે સમગ્ર મામલે આઉટસોર્સિંગના બે ડ્રાઈવર સહિત 6 લોકોની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
(ઈનપુટ: રોનક મજીઠિયા, રાજકોટ)
ADVERTISEMENT