Rajkot Civil News: ગુજરાતમાં આકરી ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ગરમી એવી છે કે બહારની તો વાત જ છોડી દો ઘરમાં પણ રહેવું મુશ્કેલ બન્યું છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અપૂરતી સુવિધાઓના કારણે દર્દીઓની હાલત કફોડી બની છે. એકબાજુ ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે ત્યારે સિવિલમાં દર્દીઓ માટે પૂરતા પંખાની પણ વ્યવસ્થા નથી. આનાથી એકદમ વિપરીત સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ઓફિસમાં એ-બે નહીં પરંતુ ત્રણ-ત્રણ ACમાં મહાલે છે.
ADVERTISEMENT
10-10 દર્દીઓ વચ્ચે માત્ર 2 પંખા
રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં આવેલા જનરલ વોર્ડની સ્થિતિમાં આકરી ગરમી વચ્ચે તંત્રએ દર્દીઓને જાણે ભગવાન ભરોસે છોડી દીધા છે. અહીં 10-10 દર્દીઓ વચ્ચે માત્ર 2 પંખા છે, દર્દીઓની સાથે તેમના સંબંધીઓને પણ રહેવાની ફરજ પડતી હોય છે. પશુ પણ ન રહી શકે એવી હાલતમાં દર્દીઓ જનરલ વોર્ડમાં રહેવા મજબૂર છે, પરંતુ હોસ્પિટલ તંત્ર દ્વારા તેમના માટે કોઈ સુવિધા કરવામાં આવી રહી નથી.
દર્દીઓ ઘરેથી પંખા-કૂલર લઈને આવ્યા
એવામાં દર્દીઓએ જાતે પોતાના ઘરેથી ટેબલ-પંખા અને કૂલર લઈને આવવાની ફરજ પડી રહી છે. તો બીજી બાજુ સિવિલના સુપ્રીટેન્ડેન્ટ ઓફિસમાં 3-3 AC લાગેલા છે, પરંતુ દર્દીઓના નસીબમાં પંખાની પણ સુવિધા નથી.
દર્દીઓ હેરાન-તંત્ર ACની ઠંડીમાં મસ્ત
એક બાજુ સરકારી બાબુઓ છે જે પ્રજાના ટેક્સથી પગાર મેળવે છે અને AC ઓફિસોમાં બેસે છે, જ્યારે બીજી બાજુ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ છે. જેમના માટે પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે, છતાં જવાબદારી અધિકારીઓ તેમની સામે જોતા નથી. મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગ દ્વારા ગરમી સામે રક્ષણ માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે. અને બીજી તરફ સિવિલ હોસ્પિટલોમાં જ આ પ્રકારની સ્થિતિ છે. જો તંત્ર અને સરકારી બાબુઓ થોડી આળસ મરડીને જાગે અને દર્દીઓ માટે વિચારીને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવે તો સારું બાકી તો દર્દીઓને આ રીતે ઘરેથી જ પંખા-કૂલર લઈને જવું પડશે.
(રોનક મજીઠીયા, રાજકોટ)
ADVERTISEMENT