Rajkot અગ્નિકાંડ બાદ પણ લાંચીયા અધિકારી સુધરતા નથી, RMCના ચીફ ફાયર ઓફિસર 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા

રાજકોટ મહાનગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ રૂપિયા 1.80 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. એક બાજુ રાજકોટના એક ચીફ ફાયર ઓફિસર જેલ હવાલે છે અને હવે ભુજથી નિમણૂંક પામેલા ચીફ ફાયર ઓફિસર લાંચના છટકામાં સપડાતા ચર્ચાનો દોર શરૂ થયો છે.

Rajkot bribe

Rajkot bribe

follow google news

Rajkot News: રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ TPO ઓફિસર સહિત અનેક લાંચિયા બાબુઓ સામે કાર્યવાહી કરાઈ. જોકે તેમ છતાં પણ હજુ અધિકારીઓને કોઈનો ડર ન હોય એમ બિદાંસ થઈને લાંચ માગી રહ્યા છે. રાજકોટ મહાનગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ રૂપિયા 1.80 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. એક બાજુ રાજકોટના એક ચીફ ફાયર ઓફિસર જેલ હવાલે છે અને હવે ભુજથી નિમણૂંક પામેલા ચીફ ફાયર ઓફિસર લાંચના છટકામાં સપડાતા ચર્ચાનો દોર શરૂ થયો છે.

ફાયર સેફ્ટીના ફીટિંગની NOC માટે લાંચ માગી

વિગતો મુજબ, ફરિયાદી ફાયર સેફ્ટી ફીટીંગની કામગીરી કરે છે અને રાજકોટ શહેરમાં એક ઇમારતમાં પોતે કરેલ ફાયર સેફ્ટી અંગેનું NOC લેવા માટે ચીફ ફાયર પાસે ગયા હતા. ત્યારે ચીફ ફાયર ઓફિસર અનિલ મારુએ રૂ.3 લાખની લાંચની માંગણી કરી હતી. આથી ફરિયાદીએ 1.20 લાખ રૂપિયા આપી દીધા હતા અને બાકીના 1.80 લાખ રૂપિયા 4-5 દિવસમાં આપવા જણાવ્યું હતું. જોકે ફરીયાદી લાંચ આપવા ન માંગતા હોવાથી જામનગર ACBનો સંપર્ક કર્યો હતો. આથી ACBની ટીમ છટકું ગોઠવ્યું હતું અને મહાનગર પાલિકાની કચેરીમાં જ ક્લાસ-1 અધિકારીને 1.80 લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. 

ભ્રષ્ટાચારી અધિકારીના બદલે આવેલા અધિકારી પણ લાંચિયા નીકળ્યા

નોંધનીય છે કે, TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં ભ્રષ્ટાચારમાં સંડોવણી બદલ ચીફ ફાયર ઓફિસર ઈલિયાસ ઝેર અને ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબા હજુ જેલમાં છે. ત્યાં તેમની જગ્યાએ આવેલા ઈન્ચાર્જ અધિકારી પણ ભ્રષ્ટાચારી નીકળ્યા. અહીં સવાલ એ થાય છે કે, એકબાજુ બે ભ્રષ્ટાચારી અધિકારીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે તેમ છતાં તેમના સ્થાને આવેલા અધિકારીઓ સુધરતા નથી. શું આવા ભ્રષ્ટાચારી અધિકારીઓને હવે કાયદાનો કે નોકરી જવાનો પણ ડર નથી રહ્યો? 

(રોનક મજીઠિયા, રાજકોટ)
 

    follow whatsapp