- રાજકોટમાં PGVCLની કચેરી બહાર 300 જેટલા ઉમેદવારોના ધરણા 4 દિવસથી યથાવત.
- PGVCLની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો માંગ કરી રહ્યા છે.
- પૈસા ખતમ થઈ જતા ઉમેદવારો મંદિર-ગેટ પર ભૂખ્યા સૂઈને દિવસો કાઢી રહ્યા છે.
Rajkot News: રાજકોટમાં PGVCL કચેરી બહાર ઉમેદવારોના ધરણાનો આજે સતત ચોથો દિવસ છે. 300 જેટલા ઉમેદવારો ઓફિસની બહાર ધરણાં કરીને આ આંદોલન ચલાવી રહ્યા છે. ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી નહીં કરાતાં યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને લઈને ઉમેદવારોની એક જ માંગ છે કે અમને અમારો હક આપો, જ્યાં સુધી કોઈ જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આ ધરણાં ચાલુ રાખશે.
ADVERTISEMENT
4 દિવસથી ઉમેદવારો ધરણા પર
રાજકોટમાં મુખ્ય કચેરીની બહાર ઉમેદવારોના ધરણાનો આજે ચોથો દિવસ છે. 4 દિવસથી 300થી વધુ યુવકો PGVCLની ઓફિસ બહાર ધરણા પર બેઠા છે. સૂવા કે રહેવા કોઈ જગ્યા નથી એવામાં આ ઉમેદવારો મંદિરના ઓટલો, રેકડી પર કે PGVCLની કચેરીની બહાર ગેટ પર જ કડકડતી ઠંડીમાં સૂઈ રહે છે. હવે યુવાઓની હાલત દયનીય બની છે.
‘દીકરી ફોન કરીને ઘરે બોલાવે છે’
Gujarat Tak આ યુવાનો પાસેથી તેમની વ્યથા સાંભળવા પહોંચ્યું હતું, જે દરમિયાન વાતચીતમાં યુવાનો પડી ભાંગ્યા હતા. ચોધાર આંસુએ રડતાં એક યુવાને કહ્યું, તે ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેની દીકરી રોજ ફોન કરે છે કે, પપ્પા ઘરે આવો.
ઘરે જવા બસનું ભાડું પણ નથી
તો અન્ય યુવાને કહ્યું કે, તે 500 રૂપિયા લઇને ઉપલેટાથી આવ્યો હતો, હવે 50 રૂપિયા બચ્યા છે, ઘરે જવાનું બસ ભાડું પણ નથી. કોઈ સંસ્થા દ્વારા ખાવાનું આપે છે તો ખાઈએ છીએ બાકી ભૂખ્યા રહીએ છીએ. ઘરે જવા માટે કોઈક હોટેલમાં કામ કરીને જવું પડશે. NSUI ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી પણ સતત 4 દિવસથી ઉમેદવારો સાથે ધરણા પર છે.
PGVCLમાં ખાલી જગ્યાઓ ભરવા ઉમેદવારોની માંગ
નોંધનીય છે કે, વિદ્યુત સહાયક વર્ગ 4ની એક વર્ષ પહેલાં લેવાયેલી પરીક્ષામાં મેરીટમાં આવેલા વિદ્યાર્થીઓની પણ ભરતી કરાઈ નથી. આગામી 12 દિવસમાં વેઈટિંગ લિસ્ટનો સમયગાળો પૂરો થઈ જશે. જેથી આ વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા એળે જશે. PGVCL દ્વારા કહેવાયું નવી પરીક્ષા લઈશું, પરંતુ PGVCLના 46 ડિવિઝનમાંથી માત્ર 8 ડિવિઝનમાં 360થી વધુ વિદ્યુત સહાયકોની જગ્યાઓ ખાલી છે. ત્યારે તે જગ્યાઓ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓની ભરતી કરવા આ યુવાઓની માંગ છે.
(રોનક મજિઠિયા, રાજકોટ)
ADVERTISEMENT