Rajkot Janata Raid : રાજકોટના પોશ વિસ્તાર અંબિકા ટાઉનશીપના લોકો દ્વારા દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરાઈ હતી. અનેક વખત રજૂઆત છતા તંત્ર અને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા અંતે જનતાએ જ બીડું ઝડપવું પડ્યું હતું. જણાવી દઈએ કે, આ દારૂના અડ્ડા પર દારૂ વેચાતો હોવાના વીડિયો પણ સામે આવી ચૂક્યા છે.
ADVERTISEMENT
મોટી સંખ્યામાં મહિલાઓએ એકઠા થઈને કરી રેડ
રાજકોટના વોર્ડ નંબર 11 અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. અનેક વર્ષોથી આ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે. ત્યારે આસપાસના વિસ્તારની મહિલાઓએ ના છૂટકે દારૂના અડ્ડા પર રેડ કરવાની ફરજ પડી હતી. મોટી સંખ્યામાં મહિલાઓએ એકઠી થઈ હતી અને જનતા રેડ કરી હતી.
દારૂડિયાના ઘર પર બુલડોઝર ફેરવવાની માંગ
સ્થાનિક મહિલાઓએ કહ્યું કે, અમે 7 વર્ષથી રોજ હેરાન થઈએ છીએ. મહિલાઓ અહીંથી એકલા પસાર થતા ડરે છે. અમારે અહીંથી નીકળાતું નથી. અમારા છોકરાઓ એકલા રમી શકતા નથી. અહીં દારૂડિયાઓ દારુ લેવા આવે છે. પોલીસ હપ્તા લે છે. પોલીસ હેડક્વાર્ટરની સામે જ આ અડ્ડા ચાલી રહ્યા છે. આ અંગે પોલીસમાં અરજી પણ આપેલ છે. જોકે હજુ સુધી જવાબ આપેલ નથી. આવનારા દિવસોમાં કાર્યવાહી નહીં થાય તો અમે લડી લેવાના મૂડમાં છીએ. અમારી સરકાર પાસે માંગ છે કે આ ઘર પર બુલડોઝર ફેરવી દો. અમારી સુરક્ષા પર સવાલ છે. કોઈ વસ્તુ થઈ તો કોણ જવાબદાર રહેશે?
પોલીસે બુટલેગરોને જાણ કરી દીધી હોવાનો આક્ષેપ
જોકે આ મહિલાઓની જનતા રેડ પહેલા જ દારુ અને દારુ વેચનારા લોકો ગાયબ થઈ ગયા હતા. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, પોલીસે દેશી દારૂના ધંધાર્થીઓને આ અંગે જાણ કરી દીધી હતી. પોલીસને આ અંગે ઘણી વખત જાણ કરવામાં આવી છે પણ પોલીસ આંખ આડા કાન કરી રહી છે અને દેશી દારૂના અડ્ડાઓ ચલાવનારા વિરૂદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી રહી નથી.
ઘરની બહાર મળી આવ્યા ચોર ખાના
જણાવી દઈએ કે, જનતા રેડ દરમિયાન ઘરની બહાર અને આસપાસમાં જમીનમાં ચોર ખાના મળી આવ્યા હતા. જે દારૂની કોથળીઓ રાખવા માટે બનાવાયા હતા. તો આ દારૂનો ધંધો કરતા પરિવારનું મકાન પણ ગેરકાયદે દબાણમાં હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે. આ સાથે પોલીસના હપ્તા ચાલતા હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે. દાદા આ બુટલેગરના મકાન પર બુલ્ડોઝર ફેરવે તેવી સ્થાનિક મહિલાએ આશા વ્યક્ત કરી.
(સ્ટોરી : રોનક મજેઠીયા - રાજકોટ)
ADVERTISEMENT