રાજકોટમાં ગુમ થયેલી બાળકીની કલાકો બાદ માથું છુંદેલી હાલતમાં લાશ મળી, દુષ્કર્મની આશંકા

Rajkot News: રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં શુક્રવારે રાત્રે ગુમ થઈ ગયેલી 8 વર્ષની બાળકીની પથ્થરના ઘા ઝિંકીને હત્યા કરાયેલી લાશ મળી આવી છે. ભક્તિનગર રેલવે સ્ટેશન…

gujarattak
follow google news

Rajkot News: રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં શુક્રવારે રાત્રે ગુમ થઈ ગયેલી 8 વર્ષની બાળકીની પથ્થરના ઘા ઝિંકીને હત્યા કરાયેલી લાશ મળી આવી છે. ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે જાળીઓમાંથી બાળકીની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. જે બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ડોગ સ્ક્વોડ અને FSLની મદદથી હત્યારા સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરાઈ છે.

શુક્રવારે 8.30 વાગ્યે બાળકી ગુમ થઈ હતી

રાજકોટના લક્ષ્મીનગરમાં શેરી નંબર 2માં શુક્રવારે રાત્રે 8.30 વાગ્યે 8 વર્ષની બાળકી રમી રહી હતી. જે અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારજનો આખી રાત બાળકીને શોધી રહ્યા હતા જોકે તે ન મળતા માલવિયાનગર પોલીસને જાણ કરીને અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આજે ભક્તિનગર સ્ટેશન નજીક જાળીઓમાંથી બાળકીની લાશ હોવાની માહિતી મળતા પોલીસે બાળકીના પિતાને જાણ કરી હતી. જે બાદ પિતાએ લાશની ઓળખ કરીને દીકરીની હોવાનું જણાવ્યું હતું.

રેલવે સ્ટેશન પાસેથી બાળકીની લાશ મળી

આ અંગે ડીસીપી ઝોન-2ના સુધીર દેસાઈએ જણાવ્યું કે, બાળકીની ગુમ થયાની ગઈકાલે ફરિયાદ મળી હતી. જે પછી ભક્તિનગર રેલવે સ્ટેશન નજીક લાશ મળતા બાળકીના પિતાને બોલાવી લાશની ઓળખ કરાઈ હતી. 8 વર્ષની બાળકીની માથું છૂંદીને હત્યા કરાઈ હતી. હત્યાનો ગુનો નોધીને FSL અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે.

બાળકી પર દુષ્કર્મ થયું હોવાની આશંકા

રાતના સમયે બાળકી ગુમ થયા બાદ તેની આ રીતે લાશ મળી આવતા તેના પર દુષ્કર્મ કરીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. પોલીસે દ્વારા હાલમાં આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ મેળવીને હત્યારાઓની શોધખોળમાં લાગી છે.

    follow whatsapp