રાજકોટ: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી બાળકોના પણ અચાનક અકાળે મોતની ઘટના વધી રહી છે. જામનગરના ધ્રોલમાં આ પ્રકારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજકોટના 12 વર્ષના કિશોરનું અચાનક અકાળે મોત થઈ ગયું છે. મૃતક બાળક ધ્રોલમાં શિક્ષકની હોસ્ટેલમાં સૈનિક સ્કૂલની તૈયારી કરતો હતો અને તેને શરદી-ઉધરસ સિવાય કોઈ રોગ પણ નહોતો. એવામાં હાલ મૃતક બાળકને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
ધો.6નો વિદ્યાર્થી સૈનિક સ્કૂલની તૈયારી કરતો હતો
મીડિયા રિપોર્ટ્સ મુજબ, 12 વર્ષનો વ્રજ સોરઠિયા રાજકોટમાં ધોરણ 6માં અભ્યાસ કરતો હતો અને શનિ અને રવિવારે ધ્રોલમાં રહીને સૈનિક સ્કૂલ માટેની તૈયારી કરવા જતો હતો. રવિવારે રાત્રે 10.30 વાગ્યે બધા બાળકો સૂઈ ગયા હતા. શિક્ષકે મોડી રાત્રે ચેક કરતા વ્રજ તેની જગ્યાએથી પડી ગયો હતો, તેને જગાડવાનો પ્રયાસ કરતા બેભાન જણાયો. આથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, ત્યાં ડોક્ટર ન હોવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે અહીં તપાસ કરતા વ્રજનું સુગર લેવલ વધારે જણાયું. આથી શિક્ષકે વ્રજના માતા-પિતાને ફોન કર્યો.
બાળકના અકાળે નિધનથી પરિવાર શોકમાં
જોકે વાલીએ દીકરાને આવી કોઈ તકલીફ ન હોવાનું કહ્યું હતું. ડોક્ટરે વ્રજને ઈન્જેક્શન આપીને રાજકોટ લઈ જવા જણાવ્યું હતું. જોકે વહેલી સવારે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ માટે ખસેડવામાં આવતા અહીં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અચાનક બાળકના મોતથી પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલમાં બાળકના અકાળે મોત માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે, તો પ્રાથમિક તપાસમાં બાળકને શરદી-ઉધરસ સિવાસ કોઈ રોગ ન હોવાનું પણ સામે આવ્યું છે.
ADVERTISEMENT