નિલેશ શિશાંગિયા/રાજકોટ: લોકસભાની ચૂંટણી પહેલા જ ભારતમાં (BJP) એક બાદ એક આંતરિક નારાજગી સામે આવી રહી છે. ક્યારેક પ્રદેશ પ્રમુખ સામે પત્રિકા કાંડ તો ક્યારે જાહેરમાં ધારાસભ્ય અને સાંસદ વચ્ચે જીભાજોડીની ઘટના હોય. ભાજપે તમામ વાતોને ઠારવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે હવે રાજકોટ ભાજપમાં નારાજગી સામે આવી છે અને કવિતા કાંડ બહાર આવ્યો છે. જેમાં ભાજપના જ કાર્યકરે કવિતા લખીને અસંતોષનો બળાપો કાઢ્યો છે.
ADVERTISEMENT
ભાજપના કાર્યકરે લખેલી કવિતા વાઈરલ
ભાજપના કાર્યકર દ્વારા સોશિયલ મીડિયા ગ્રુપમાં પત્રિકા ફરતી થઈ છે. કવિતામાં શહેરના રાજકારણમાં જેનો પ્રભાવ પડી રહ્યો છે તેઓ ચલાવે છે, મામા-ભાણા વાદ જેવા આક્ષેપો કવિતામાં લાગ્યા છે, તો કવિતામાં જી હજુરિયા અને સગાવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ શિક્ષણ સમિતિ, મનપામાં પદાધિકારીઓની પસંદગીમાં મામલે શાબ્દિક કટાક્ષ કરવામાં આવ્યો છે. કવિની કવિતાથી રાજકોટ શહેર ભાજપના રાજકારણમાં જોવા મળ્યો ગરમાવો જોવા મળ્યો છે.
શહેર પ્રમુખે કહ્યું, અમારા પરિવારનો રોષ છે
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આ અંગે કહ્યું કે, આજે સવારે જ વર્તમાન પત્રના માધ્યમથી કવિતા વાંચી છે. કોઈ કાર્યકર્તાની ક્યાંકને ક્યાંક લાગણી દુભાણી હોય એમ કહી શકું છું. ભારતીય જનતા પાર્ટીમાં લાખો લોકો સંકળાયેલા છે. નિમણૂંકની પ્રક્રિયામાં દરેક લોકોને ન્યાય ન આપી શકાય.પણ સાચા, સારા અને સક્રિય કાર્યકર્તાની ભાજપ નોંધ લે છે. આવનારા દિવસોમાં દરેક કાર્યકર્તાની નોંધ લેવાશે તેની હું ખાતરી આપું છું. હું આને ટિકા તરીકે નથી જોતો. કવિતાને જોતા કાર્યકરે રોષ પણ ઠાલવ્યો હોય, પરંતુ તે રોષ અમારા પરિવારનો છે અને એને હું ક્ષમ્ય કહું છું. કવિતા કોણે લખી છે તે વિશે કંઈ કહી ન શકું.
ADVERTISEMENT