રાજકોટ: અત્યારે 21મી સદીના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાનું દૂષણ લોકોના માનસ પરથી હટી રહ્યું નથી. અંધશ્રદ્ધાના આવા જ એક કિસ્સામાં 10 મહિનાની માસુમ બાળકી ભોગ બની છે અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. હકીકતમાં બાળકીને શરદી-ઉધરસ અને હાંફ ચડવાની સમસ્યા હતી, પરંતુ હોસ્પિટલમાં વધારે ખર્ચો થતો હોવાથી પરિવાર તેને મંદિર લઈને પહોંચ્યો હતો, ગરમ સોયથી બાળકીને ડામ અપાતા તેની તબિયત વધુ લથડી હતી. હાલ બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
ADVERTISEMENT
બાળકીને શરદી-ઉધરસ અને શ્વાસ ચડવાની સમસ્યા હતી
વિગતો મુજબ, વિરમગામમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા વૃદ્ધની 10 મહિનાની પૌત્રીને શરદી-ઉધરસ હતી અને હાંફી જતી હતી. આથી પરિવાર બાળકીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જોકે તબીબે સારવાર માટે રૂ.50થી 60 હજાર ખર્ચો થવાનું જણાવ્યું હતું. આ માટે 20 હજાર ડિપોઝિટ અને સારવારની કોઈ ગેરંટી ન હોવાનું જણાવતા પરિવાર બાળકીને ઘરે લઈ આવ્યો હતો.
મંદિરમાં ભૂવાએ સોયના 3 ડામ આપ્યા
ઘર નજીકના સંબંધીઓએ વડગામમાં ડામ દેવાની સલાહ આપતા પરિવાર બાળકીને લઈને વડગામમાં સિકોતેર માતાના મંદિરમાં પહોંચ્યો હતો. અહીં મંદિરના ભૂવા દ્વારા સોઈથી બાળકીને પેટ પર 3 જેટલા ડામ આપવામાં આવ્યા હતા. જે બાદ બાળકીની તબિયત સુધરવાના બદલે વધુ ખરાબ થઈ ગઈ હતી. આથી પરિવારે મોડી રાત્રે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બાળકીને લઈને પહોંચ્યો હતો. ડોક્ટરે તાત્કાલિક સારવાર શરૂ કરતા હાલ બાળકીની તબિયત સુધારા પર છે, તો પરિવારને પણ હવે પોતાની ભૂલ સમજાઈ છે.
ADVERTISEMENT