Rajkot Rain: રાજકોટમાં આજ સવારથી જ વરસાદે જમાવટ કરી છે. લગભગ અત્યાર સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયાં અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા એટલે કે રાજકોટના લોકમેળાની વાત કરવામાં આવે તો વરસાદી વિઘ્નના કારણે લોકોની મજા બગડી છે. રાજકોટના રામાપીર ચોકડી, 150 ફૂટ રીંગ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, પોપટપરા સહિત અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.
ADVERTISEMENT
અમદાવાદમાં મેઘરાજાની પધરામણી
તો બીજી તરફ અમદાવાદમાં પણ સતત ત્રીજા દિવસે મેઘરાજાની પધરામણી જોવા મળી છે. શહેરના એસ.જી. હાઇવે, શિવરંજની, પંચવટી, આંબાવાડી સહિતના ઘણા વિસ્તારોમાં વરસાદની સ્થિતી જોવા મળી રહ્યો છે. ગઇકાલે અમદાવાદમાં 4 કલાકના ગાળામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ નરોડામાં નોંધાયો છે, આ પછી ચાંદખેડા કોતરપુર અને મેમ્કોમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે આ તરફ ઓઢવ, મણિનગર, સાયન્સ સિટી, ગોતા જેવા વિસ્તારોમાં 1 ઈંચથી થોડો ઓછો વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ
નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ, નર્મદા જિલ્લાના રાજપીપળામાં 2 કલાકમાં 1.5થી 2 ઈંચ વરસાદ પડતાં રાજપીપલા શહેર પાણી-પાણી થઈ ગયું છે. સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછીયાવાડ વિસ્તારમાં પાણી ભરાયા છે. જેના કારણે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સાગબારા ડેડીયાપાડા વિસ્તારમાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું છે. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા વલસાડના વહીવટી તંત્ર દ્વારા વલસાડના કશ્મીર નગર વિસ્તારમાંથી 150થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT