VIDEO: પોલીસે હત્યાને હાર્ટ એટેકમાં ખપાવી? બે મહિના બાદ CCTV જાહેર થતાં ચોંકાવનારી વિગતો આવી બહાર

Gujarat Tak

11 Jul 2024 (अपडेटेड: Jul 11 2024 6:58 PM)

Rajkot News: રાજકોટમાં 1 મે ના રોજ નવાગામમાં એક ગોડાઉનમાં 17 વર્ષીય સગીરનું મોત થયું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ મોત હાર્ટ એટેકથી થયું હોવાનું ખૂલ્યું

Rajkot News

Rajkot News

follow google news

Rajkot News: રાજકોટમાં 1 મે ના રોજ નવાગામમાં એક ગોડાઉનમાં 17 વર્ષીય સગીરનું મોત થયું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ મોત હાર્ટ એટેકથી થયું હોવાનું ખૂલ્યું હતું, જો કે સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં સગીરનું મોત હાર્ટ એટેકથી નહીં પરંતુ માથામાં બોથડ પદાર્થ લાગવાથી થયું છે. તેમજ CCTV માં જોવા મળી રહ્યું છે કે ગોડાઉનમાં રહેલા એક શખસે સગીરને માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે.

હત્યાને  હાર્ટ એટેકમાં ખપાવાનો પ્રયાસ?

આખા કેસમાં પોલીસની શંકાસ્પદ ભુમિકા સામે આવી, કુવાડવા રોડ પોલીસે હત્યા અંગે તપાસ કરી હતી અને તેને  હાર્ટ એટેકમાં ખપાવી દીધી હતી, જો કે તપાસ થઈ છે કે કેમ તે પણ સવાલ છે? મૃતક યુવકના પરિવારજનોએ ગત 3 જુલાઇના રોજ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી જો કે તો પણ તપાસ થઈ ન હતી, અંતે પરિવારે સીસીટીવી ફુટેજ લાવી મીડિયા સામે જાહેર કર્યા.

પોલીસ કોને બચાવી રહી છે?

જાણકારી મળી રહી છે કે, રાજકોટના ગોકુલનગર-5માં રહેતા 17 વર્ષીય હર્ષિલ નવાગામમાં આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં નોકરી કરતો હતો. પહેલી મેના રોજ ગોડાઉનમાં એક યુવકે હર્ષિલના માથા પર બોથડ પદાર્થનો ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી. હવે મૃતકના પરિવારજનનો આરોપ છે કે,  કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે આ બનાવને થોડા જ કલાકોમાં પૂર્વયોજિત કાવતરૂ રચી હાર્ટ એટેકમાં ખપાવી દીધી હતી. પીએમ રિપોર્ટની વાત કરવામાં આવે તો તેમાં પણ બ્રેઇન હેમરેજના કારણે કાર્ડિયાક ફેઈલ્યોરથી થયું હોવાનું સામે આવ્યું છે. છતાં પોલીસ આ મામલે કોનો બચાવ કરી રહી છે. જ્યારે હર્ષિલનો પરિવાર પોલીસ પાસે હત્યાની ફરિયાદ નોંધવા જાય તો કોઈ યોગ્ય જવાબ આપતું નથી. 

ગુજરાત તક સાથેની વાતચીતમાં મૃતકના પરિવારે વેદના ઠાલવી

મૃતકના પરિવારે ગુજરાત તક સાથેની વાતચીતમાં પોતાની વેદના ઠાલવી હતી, પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા લઈ કાર્યવાહી નથી કર્યાનો આરોપ કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે, પોલીસને સીસીટીવીના પુરાવા આપ્યાને કેટલાય દિવસ થયા હોવા છતાં પોલીસ આરોપીઓ સામે કાર્યવાહી કરી રહી નથી, આરોપીઓ ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે. મૃતદેહ લેવા ગયા ત્યારે હાર્ટ અટૅકથી મોત થયું હોવાનું પોલીસે કહ્યું ત્યારબાદ  પોલિસ કમિશનરને મળીને રજૂઆત કરવા ગયા પણ કમિશનર મળ્યા જ નહિ. જો અમને ન્યાય નહિ મળે તો અમે આપઘાત કરીશું, અમારો એકનો એક દીકરો હતો. આ સિવાય તેમણે વેદના ઠાલવતાં કહ્યું કે, અજય નિમાવત નામના પોલીસ કર્મીએ મૃતકના માતાને કહ્યું, "તો બે દીકરા કરવા હતા ને." આ મામલે મોટો સવાલ હવે એ છે કે શું કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી થશે? 

(ઈનપુટ: રોનક મજેઠીયા)

    follow whatsapp