અમદાવાદ: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ધ્રુજાવી મૂકે તેવા ભયાનક અકસ્માતમાં મૃતકોની વિગતો સામે આવી રહી છે. જેમાં કોલેજમાં અભ્યાસ કરવા માટે બહારગામથી અમદાવાદ આવેલા 21-22 વર્ષના યુવાનો પણ સામેલ છે. નાની ઉંમરે વ્હાલસોયા સંતાનોના મોતથી પરિવારજનોમાં આક્રંદ છે. તો મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી છે અને મૃતકો તથા ઈજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
એક જ પરિવારના બે યુવકોના મોત
મૃતકોમાં કૃણાલ પટેલનો સમાવેશ થાય છે. આ સિવાય એક જ પરિવારના અમન અને અરમાનનું પણ નિધન થયું છે. તો પોલીસકર્મચારી ધર્મેન્દ્રસિંહ પરમાર અને હોમગાર્ડ જવાનનું પણ મોત થયું. મૃતકોમાં 6 યુવકો 21થી 25 વર્ષની વચ્ચેના હતા અને તેમાંથી મોટાભાગના PGમાં રહીને અભ્યાસ કરતા હતા.
મૃતકોના નામ
- રોનક વિહલપરા, ઉંમર 23 વર્ષ, બોટાદ
- અરમાન વઢવાણીયા, ઉંમર 21 વર્ષ, સુરેન્દ્રનગર
- અક્ષર પટેલ, ઉંમર 21 વર્ષ, બોટાદ
- કૃણાલ કોડિયા, ઉંમર 23 વર્ષ, બોટાદ
- ધર્મેન્દ્રસિંહ પરમાર, ઉંમર 40 વર્ષ, પોલીસ કોન્સ્ટેબલ
- નિલેશ ખટીક, ઉંમર 38 વર્ષ, બોડકદેવ હોમગાર્ડ
- અમનભાઈ કચ્છી, ઉંમર 25 વર્ષ, સુરેન્દ્રનગર
- નિરવભાઈ રામાનુજ, ઉંમર 22 વર્ષ, ચાંદલોડિયા
- અન્ય એક વ્યક્તિની ઓળખ થઈ શકી નથી
મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ઘટના પર કહ્યું કે, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
ADVERTISEMENT