Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટમાં એક વિચિત્ર કારણથી ડિવોર્સ માગવાની અરજી આવી છે. જેમાં સસરાએ મિલકતમાં ભાગ ન આપતા પરિણીતાએ લગ્નના બે મહિનામાં જ ડિવોર્સ માગ્યા હતા અને કોર્ટમાં અરજી કરી હતી. જોકે ગુજરાત હાઈકોર્ટે મહિલાની ડિવોર્સની અરજીને એમ કહીને ફગાવી દીધી કે, માતા-પિતાની મિલકતમાં ભાગ લેવા માટે તેમની સેવા કરવી પડે.
ADVERTISEMENT
યુવક-યુવતીએ પરિવારની ઈચ્છા વિરુદ્ધ કર્યા હતા લગ્ન
મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમદાવાદના યુવક સાથે સોશિયલ મીડિયાથી સંપર્ક થયા બાદ યુવતીની મિત્રતા થઈ હતી. બંને વચ્ચે અમુક મુલાકાત બાદ યુવક અને યુવતીએ લગ્ન કરી લીધા. જોકે લગ્ન બાદ યુવતીને માલુમ પડ્યું કે તેના પતિના પિતા સાવકા છે અને સાસુએ બીજા લગ્ન કરેલા છે. યુવકે મરજી વિરુદ્ધ લગ્ન કરતા પિતાએ તેને મિલકતમાંથી હટાવી લીધો હતો અને સગા દીકરાના નામે ફ્લેટ તથા બિઝનેસ આપી દીધો હતો. અને યુવકને પોલિમર મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ આપ્યો હતો.
પતિને મિલકતમાં ભાગ ન મળતા પત્નીએ માગ્યા છૂટાછેડા
આ વાતની જાણ થતા યુવતીએ પતિને પ્રોપર્ટીમાં ભાગ માગવા દબાણ કર્યું હતું. યુવકે ભાગ માગવાની ના પાડતા યુવતી પિયર જતી રહી હતી અને પાછા આવવાની ના પાડી દીધી હતી. બાદમાં તેણે હાઈકોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતીને પતિને નોટિસ મોકલી હતી. જોકે હાઈકોર્ટમાં પતિએ પત્ની પાસે રહેવા સંમતિ દર્શાવી પરંતુ પત્નીએ લગ્ન ટકાવી રાખવા મિલકતમાં ભાગ માગવાની શરત રાખી હતી, જેને હાઈકોર્ટે છૂટાછેડા માટેના કારણો અયોગ્ય હોવાનું જણાવી અરજી ફગાવી દીધી હતી.
ADVERTISEMENT