અમદાવાદ: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા સૌથી ભયાનક અકસ્માતમાં એક બાદ એક વિગતો સામે આવી રહી છે. મોડી રાત્રે બ્રિજ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા તેને જોવા એકઠા થયેલા લોકો પર પૂરપાટ ઝડપે આવી રહેલી જગુઆર કારે 15થી 20 લોકોને કચડી નાખ્યા હતા. અકસ્માત સર્જનાર તથ્ય પટેલ સાથે કારમાં કોઈ યુવતી હતી. વિગતો મુજબ કારમાંથી પર્સ પણ મળી આવ્યું છે અને અકસ્માત બાદ યુવતી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે તથ્ય પટેલ સાથે કારમાં બેઠેલી આ યુવતી કોણ હતી?
ADVERTISEMENT
અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તથ્ય પટેલને માર માર્યો
અકસ્માત બાદ સ્થાનિક લોકો રોષે ભરાતા જગુઆર ચાલક તથ્ય પટેલને કારમાંથી બહાર કાઢીને ઢોર માર માર્યો હતો અને લોહીલુહાણ કરી નાખ્યો હતો. જેના કારણે તેને પણ ઈજાઓ પહોંચી હતી એવામાં હાલ તથ્ય પટેલને સિમ્સ હોસ્પિટલમાં ICUમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે અને 24 કલાક બાદ ડોક્ટરની સલાહ બાદ પોલીસ તેની ધરપકડ કરશે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે 1 વાગ્યા આસપાસ થાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના મળતા પોલીસ ત્યાં પહોંચી હતી, તથા કેટલાક યુવાનો પણ ઊભા હતા. આ દરમિયાન ઓવરસ્પીડમાં આવતી જગુઆર કારે 15થી 20 લોકોને ટક્કર મારીને અડફેટે લીધા હતા. જેના કારણે સ્થળ પર જ 6 લોકોના મોત નિપજ્યા જ્યારે બાદમાં વધુ 3 લોકોના મોત નિપજ્યા હતા. હાલમાં 8-10 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 3 જેટલા લોકો ગંભીર હાલતમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.
ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નથી: પોલીસ
અકસ્માત બાદ ટ્રાફિક DCP નીતા દેસાઈએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઘટના ડ્રિંક એન્ડ ડ્રાઈવની નથી પરંતુ ઓવરસ્પીડના કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ઘટનામાં કોઈને છોડવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં તથ્ય પટેલ સિમ્સ હોસ્પિટલમાં ICU હેઠળ સારવારમાં છે, ડોક્ટરના કહેવા મુજબ તેને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. આથી તેની ધરપકડ કરવામાં આવી નથી.
ADVERTISEMENT