અમદાવાદ: ગુજરાતમાં દારૂ ઘુસાડનારા કુખ્યાત બુટલેગર વિજય ઉધવાની ઉર્ફે વિજ્જુ સિંધી ધરપકડથી બચવા માટે દુબઈ ભાગી ગયો હતો. હવે ગુજરાત પોલીસના ઈશારે ઈન્ટરપોલ દ્વારા તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવતા તે ત્યાં જ ફસાઈ ગયો છે અને ભારત પણ પરત આવી શકે એમ નથી. એવામાં હવે તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને રાહતની માંગણી કરી છે, જેથી તે ભારતમાં પાછો ફરી શકે.
ADVERTISEMENT
વિજય ઉર્ફે વિજ્જુ દુબઈ ગયો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો. પરંતુ ઈન્ટરપોલીસની રેડ કોર્નર નોટિસના કારણે તે અન્ય કોઈ દેશમાં જઈ શકતો નથી. આ બાદ તેણે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કરીને ઈન્ટરપોલના નિયમો પર સવાલ ઉઠાવ્યા હતા.
એક બે નહીં 72 જેટલા કેસોમાં વિજ્જુ વોન્ટેડ
પ્રોહીબિશનના ગુનામાં વિજ્જુ સિંધીના પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે હાઈકોર્ટમાં કહ્યું હતું કે, ગુજરાત અને રાજસ્થાનમાં વિજ્જુ વિરુદ્ધ પ્રોહીબિશન અને અન્ય ગુનાઓ માટે 146 જેટલી FIR નોંધાઈ છે અને તેની સામે 74 કેસમાં ટ્રાયલ પેન્ડિંગ છે અને હજુ 72 કેસમાં તે વોન્ટેડ છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિજ્જુ સિંધીને વચગાળાની કોઈ રાહત આપવામાં આવી નહોતી અને આ માટે કોઈ કારણ પણ નહોતું જણાવાયું.
સુપ્રીમ કોર્ટમાં પોતાની અરજીમાં વિજ્જુ સિંધીએ કહ્યું કે, તેને હાઈકોર્ટ તરફથી વચગાળાની રાહત આપવામાં આવી નથી અને કોઈ કારણ પણ જણાવાયું નથી. તે પોતાના ભારતમાં રહેતા પરિવારને મળવા માગે છે અને અમેરિકામાં અભ્યાસ કરતી દીકરીને મળવા જવા માંગે છે. જોકે રેડ કોર્નર નોટિસના કારણે તે પરિવારને મળી શકતો નથી. સાથે તેણે કહ્યું કે, દુબઈ ઓથોરિટી મુજબ પ્રત્યાર્પણની વિનંતી છે તેમાં ઈન્ડિયન ઓથોરિટીના સહી કે સિક્કા નહોતા. તેમણે સબમિટ કરેલી પ્રત્યાર્પણની વિનંતીમાં પણ ખામીઓ હતી. આ અંગે UAEના સત્તાધીશોએ પણ ટિપ્પણી કરી હતી કે આ વિનંતી અમને ગંભીર લાગતી નથી. એવામાં હવે આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરી શકાય છે.
ADVERTISEMENT