AMCનો પ્લાન ફેલ, ટાયર ફોડ સ્પીડ બ્રેકર પણ રોંગ સાઈડમાં જતા અમદાવાદીઓને ન રોકી શક્યું

અમદાવાદ: શહેરમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માતની ઘટના બાદ અચાનક ટ્રાફિક પોલીસ અને AMCનું તંત્ર જાગ્યું છે. 21 જુલાઈએ બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોના મોત બાદ…

gujarattak
follow google news

અમદાવાદ: શહેરમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માતની ઘટના બાદ અચાનક ટ્રાફિક પોલીસ અને AMCનું તંત્ર જાગ્યું છે. 21 જુલાઈએ બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોના મોત બાદ ટ્રાફિક પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે, તો AMC દ્વારા પણ પ્રયોગના ધોરણે ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યા હતા. પરંતુ વાહન ચાલકોએ આનો પણ જુગાડ શોધી લીધો છે અને સ્પીડ બ્રેકરની મજાક ઉડાવતા હોય એમ તેની જ ઉપરથી વાહન હંકારીને જઈ રહ્યા છે. આમ સ્પીડ બ્રેકર લગાવ્યાના 24 કલાકમાં જ AMCનો પ્લાન ફેલ થઈ ગયો હતો.

હકીકતમાં અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ નીચે રોંગ સાઈડમાં જતા લોકોને રોકવા માટે ટાયર કિલર બમ્પ લગાવ્યા હતા. જોકે બમ્પ લગાવ્યાને માંડ એક દિવસ થયો છે, ત્યાં લોકોએ તેના પરથી નીકળવાનો રસ્તો શોધી લીધો હતો. સાંજ સુધીમાં જ ટુ-વ્હીલર અને ફોર વ્હીલર બમ્પ કૂદાવીને રોંગ સાઈડમાં જતા વીડિયોમાં કેદ થઈ ગયા હતા. પરિણામે આજે સવારે ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તાને જ બેરિકેડ લગાવીને બંધ કરી દેવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર હવે તેના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.

ખાસ છે કે આ ટાયર કિલગ બમ્પ લગાવાયા બાદ રોંગ સાઈડથી આવનારા વાહનોના ટાયર ફાટી જશે એમ કહેવામાં આવી રહ્યું હતું. પરંતુ વીડિયોમાં તો વાહનો સરળતાથી તેના પરથી પસાર થઈને નીકળી રહ્યા છે. AMC દ્વારા પ્રાયોગિક ધોરણે આ બમ્પ લગાવ્યા બાદ શહેરમાં અન્ય જગ્યાઓ પર પણ તેને લગાવવાના હતા, ત્યારે હવે આ પ્લાન જ ફેલ થઈ જતા હવે જોવાનું રહેશે કે AMC અન્ય વિસ્તારોમાં આ પ્રકારના બમ્પ લગાવશે કે કેમ. અને જો લગાવશે તો શું લોકો રોંગ સાઈડમાં જતા અટકશે કે પછી ત્યાં પણ બમ્પ કૂદાવીને જતા રહેશે.

    follow whatsapp